રાયપુરઃ છત્તીસગઢમાં હજારો મહિલાઓ ગાયનાં છાણાંમાં વિવિધ ઉત્પાદનો બનાવી રહી છે અને એનું ઓનલાઇન વેચાણ થઈ રહ્યું છે. છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાનાં ગ્રામીણ ક્ષેત્રોની મહિલાઓને સશક્ત બનાવવા માટે રાજ્યની ગોધન ન્યાસ યોજના હેઠળ પ્રોત્સાહન મળ્યું છે, જેથી તેમણે બનાવેલાં ઉત્પાદનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વ્યાપક બજાર સુધી પહોંચે.
રાજનાંદગાંવ જિલ્લાની મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંકળાયેલી છે અને ખાતર, છાણનાં છાણાં (બળતણના ઉપયોગ માટે) કોડિયા અને ફ્લાવરવાઝ જેવાં ઉત્પાદનો બનાવે છે. જિલ્લાઅધિકારી તરણ પ્રકાશ સિંહાએ કહ્યું હતું કે ગોધન ન્યાસ યોજના રાજ્ય સરકાર મુખ્ય યોજના છે. અમારા જિલ્લામાં 358 ગૌશાળા સ્થાપિત કરવામાં આવી છે. એનાથી આશરે રૂ. 1.5 કરોડની કમાણી કરી છે, જેમાં 40 ટકા નફો મહિલાઓમાં વહેંચવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે રાજનાંદગાંવ રાજ્યનો પહેલો જિલ્લો બન્યો છે, જ્યાં ગાયના છાણાંમાંથી બનેલાં ઉત્પાદનો એમેઝોન જેવાં ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઝારખંડ પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોએ છાણાંનાં ઉત્પાદનોમાં ઘણો રસ દાખવ્યો છે.
સિંહાએ કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી રૂ. પાંચ કરોડનાં છાણાંના ઉત્પાદનો વેચ્યાં છે. કેટલાક દિવસો પહેલાં શરૂ થયેલાં ઓનલાઇન સેલમાં અત્યાર સુધી રૂ. એક લાખનાં ઉત્પાદનો વેચાઈ ચૂક્યાં છે. સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્ય મુસ્કાન વર્માએ કહ્યું હતું કે અમારા ગ્રુપમાં 30 મહિલાઓ છે. આ ઉત્પાદનો વેચીને અમે પ્રતિ મહિને રૂ. 8000ની કમાણી કરીએ છીએ. જુલાઈ, 2021થી અમે અમારાં ઉત્પાદનોને ઓનલાઇન વેચી રહ્યાં છે.