રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 9.8 ટકાના વધારા સાથે રૂ. 10,362 કરોડ

મુંબઇઃ મુકેશ અંબાણીની નેજા હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાંકીય વર્ષ 2018-19ના પરિણામ જાહેરાત કરાયા છે જે એકંદરે પ્રોત્સાહક રહ્યાં છે. માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ કંપનીનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ.10362 કરોડ નોંધાયો છે. જેમાં વાર્ષિક તુલનાએ 9.8 ટકા અને ત્રિમાસિક તુલનાએ 1.1 ટકાની વૃદ્ધિ થઇ છે. આ સાથે કંપનીએ સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10 હજાર કરોડથી વધારે ચોખ્ખો નફો કર્યો છે. જ્યારે માર્કેટ એનાલિસ્ટોએ રૂ. 9796 કરોડનો ત્રિમાસિક નફો અને રૂ. 1.48 લાખ કરોડની આવકની ધારણા મૂકી હતી.  આવક રૂ. 154110 કરોડ રહી છે. જે વાર્ષિક તુલનાએ 19.4 ટકા વધી છે જ્યારે ત્રિમાસિક સરખામણીએ 9.7 ટકા ઘટી છે. વેરા પૂર્વેનો નફો વાર્ષિક તુલનાએ 4.6 ટકા વધીને રૂ. 13858 કરોડ થયો છે.

સમગ્ર વર્ષ 2018-19માં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 13.1 ટકા વધીને Rs 39,588 કરોડ($5.7 અબજ) થઈ ગયો હતો. કંપનીની આવક 44.6 ટકા વધીને Rs 622,809 કરોડ($ 90.1 અબજ) થઈ ગઈ હતી. રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સમાં ઊંચા રિયલાઈઝેશનને કારણે આવક વધી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના સરેરાશ ભાવમાં 22 ટકાનો વધારો આ ગાળામાં થયો હતો. રિટેલ બિઝનેસ 88.7 ટકા ઉછળી ગયો હતો અને ડિજિટલ સર્વિસીઝ બિઝનેસ 94.5 ટકા વધ્યો હતો.

કોર બિઝનેસમાં ઓઈલમાં ગ્રોસ રિફાઈનિંગ માર્જિન(GRM) બેરલદીઠ 8.2 ડોલર રહ્યું હતું, જે સિંગાપોર કોમ્પ્લેક્સ માર્જિન કરતાં બેરલદીઠ 5 ડોલર વધારે છે. ડિસેમ્બરના ક્વાર્ટરમાં તે 8.8 ડોલર હતું, જ્યારે ગત વર્ષે આ ગાળામાં 11 ડોલર હતું.

રિટેલ બિઝનેસમાં કંપનીએ હરણફાળ ભરી છે. તેમાં આવક માર્ચના ક્વાર્ટરમાં 51.60 ટકા વધીને રૂ.36,663 કરોડ થઈ હતી અને પ્રોફિટ 77 ટકા ઉછળી ગયો હતો અને રૂ.1923 કરોડ થયો હતો. માર્ચના અંતે કંપનીનું દેવું રૂ.2,87,505 કરોડ હતું, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.2,18,763 કરોડ હતું. બીજી તરફ કંપની પાસે કેશ વધીને રૂ.1,33,027 કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.78,063 કરોડ હતી.

પરિણામ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘2018-19માં અમે અને સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ મેળવી છે અને ભવિષ્યની રિલાયન્સનાં નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રિટેલ બિઝનેસની આવક Rs 1,00,000 કરોડને પાર કરી ગઈ છે. જિયોના હવે 30 કરોડથી વધુ ગ્રાહકો થઈ ગયા છે અને અમારા પેટ્રોકેમિકલ બિઝનેસમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક મેળવી છે. મને એ દર્શાવતા આનંદ થાય છે કે અમારી કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંની આવક બમણાં કરતાં વધારે રૂ.92,656 કરોડ નોંધાવી છે – જેનાથી મૂલ્ય સર્જનમાં વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]