5G સ્માર્ટફોન રૂ.2,500-3,000માં વેચવાનો રિલાયન્સ જિયોનો પ્લાન

મુંબઈઃ રિલાયન્સ જિયો તેના 5G સ્માર્ટફોન્સ રૂ. 5,000થી પણ ઓછા ભાવે લોન્ચ કરવા ધારે છે અને ત્યારબાદ વેચાણ વધવા લાગશે તે પછી ધીમે ધીમે એની કિંમત પ્રતિ ફોન રૂ. 2,500-3,000 સુધી ઘટાડી દેશે.

નામ જાહેર ન કરવાની શરતે કંપનીના એક અધિકારીએ કહ્યું છે કે હાલ 2G જોડાણવાળા ફોન વાપરતા 20-30 કરોડ જેટલા સેલફોન ધારકોને અમારી કંપની 5G ફોનના વેચાણ માટે ટાર્ગેટ બનાવશે.

આ સમાચાર વિશે સત્તાવાર સમર્થન આપવા વિશે જિયોનો સંપર્ક સાધવાના પ્રયાસ નિષ્ફળ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 5G સ્માર્ટફોન રૂ. 27,000થી શરૂ થતી પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ છે.

જિયો પહેલી કંપની છે જેણે ભારતમાં મફતમાં 4G મોબાઈલ ફોન આપવાનું શરૂ કર્યું હતું. એ વખતે ગ્રાહકોને જણાવાયું હતું કે તેઓ જિયો ફોન માટે રૂ. 1,500ની રકમની ડિપોઝીટ ચૂકવે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 43મી સામાન્ય વાર્ષિક સભામાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એવો દાવો કર્યો હતો કે એમની કંપની ભારતને 2G-મુક્ત કરાવશે (એટલે કે 2G જોડાણથી મુક્ત). તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ દેશમાં 2G ફીચર ફોન વાપરતા આશરે 35 કરોડ જેટલા યૂઝર્સ છે અને એમને વાજબી કિંમતે સ્માર્ટફોનમાં બદલી નાખવાની જરૂર છે.

અંબાણીએ તો એમ પણ કહ્યું હતું કે ભારત 5G યુગમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે.

હાલ ભારતમાં 5G સેવા ઉપલબ્ધ નથી

હાલ દેશમાં 5G ટેલિકોમ સેવા ઉપલબ્ધ નથી. સરકારે હજી સુધી કોઈ પણ ટેલિકોમ ઓપરેટર કંપનીને ફિલ્ડ ટ્રાયલ માટે 5G સ્પેક્ટ્રમની ફાળવણી કરી નથી. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં ટ્રાયલ શરૂ થવાની ધારણા રખાય છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આવતા નાણાકીય વર્ષમાં દેશમાં 5G સેવા વ્યાપારી ધોરણે શરૂ થઈ જશે.

રિલાયન્સ જિયો કંપની તેના પોતાના 5G નેટવર્ક ઈક્વિપમેન્ટ્સ પર કામ કરી રહી છે. એણે તેના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ફાળવવાની દેશના ટેલિકોમ વિભાગને વિનંતી કરી છે. સરકારે હજી કંપનીને જવાબ આપ્યો નથી.