કોલ ઇન્ડિયાના કર્મચારીઓને રૂ. 68,500નું બોનસ

નવી દિલ્હીઃ કોલ ઇન્ડિયા લિ.એ કર્મચારીઓને દિવાળી પહેલાં જ ભેટ આપી છે. કંપનીએ ગઈ કાલે કર્મચારીઓને પર્ફોર્મન્સ લિન્ક્ડ રિવોર્ડ (PLR) આપવાની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2019-20 માટે બધા નોન-એક્ઝિક્યુટિવ કેડર કર્મચારીઓ માટે પ્રતિ કર્મચારી માટે રૂ. 68,500 પર્ફોર્મન્સથી જોડાયેલા ઇનામ (બોનસ)ની ઘોષણા કરી હતી, જેથી કંપનીને રૂ. 1700 કરોડથી વધુની નાણાકીય ખર્ચ થવાનો અંદાજ છે. આ PLR વર્ષ  2019-20માં કર્મચારીઓની હાજરી (એટેન્ડન્સ)ને આધારે મળશે. આ રકમ તેમને 22 ઓક્ટોબર સુધી મોકલી દેવામાં આવશે, એમ કંપનીના એક્ઝિક્યુટિવે કહ્યું હતું.

કુલ 2.62 લાખ કર્મચારીઓ

કોલ ઇન્ડિયા અને એની આઠ સબસિડિયરી કંપનીના આશરે કુલ 2.62 લાખ કર્મચારીઓ કે જે નાણાકીય વર્ષ 2020માં કંપનીના રજિસ્ટર પર હતા, તેમને આ ઇનામ મળવાની સંભાવના છે.

PLRમાં 5.87 ટકાનો વધારો

કંપનીએ કોરોના રોગચાળાને પગલે સ્લોડાઉન અને વેચાણમાં ઘટાડા છતાં પાછલા વર્ષમાં PLR તુલનાએ 5.87 ટકાનો વધારો કર્યો છે. પાછલા વર્ષે કંપનીએ PLR તરીકે પ્રતિ કર્મચારી રૂ. 64,700 આપ્યા હતા. જેમાં આ વખતે ચોખ્ખો રૂ. 3800નો વધારો કર્યો છે. જે નોન-એક્ઝિક્યુટિવ એમ્પ્લોયીઝે વર્ષ 2019-20માં કમસે કમ 30 કામકાજના દિવસ કામ કર્યું હશે, તેમને PLR પ્રો-રેટા બેઝિસે મળશે, એમ એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું હતું.

કંપનીએ જોઇન્ટ બાય-પાર્ટી કમિટી ઓફ કોલ ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડાઇઝેશનની 10મી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગ કોલ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓની વચ્ચે રાંચીમાં થઈ હતી. અમે ખુશ છીએ કે અમે કર્મચારીઓના લાભ માટે બંને પક્ષોની સંતુષ્ટિથી સંબંધિત પર્ફોર્મન્સ આધારિત નિષ્કર્ષ કાઢી શક્યા છીએ, એમ એક સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતાં આ ચુકવણી કંપનીના કર્મચારીઓના પર્ફોર્મન્સ સ્તરને નોંધપાત્ર વધારો કરશે, એમ તેમણે કહ્યું હતું.

ત્રિમાસિક ગાળામાં કોલસાના ઉત્પાદનમાં 10.6 ટકાનો વધારો

કોલ ઇન્ડિયા દેશની સૌથી મોટી કોર્પોરેટ કંપની છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 10.6 ટકાના વધારા સાથે 11.5 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]