મુંબઈઃ ઉત્તરાખંડમાં આ વર્ષે પૂરના સંકટે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં પુનર્વિકાસ કાર્યોની તાતી જરૂર છે. એ માટે રાજ્ય સરકારના પ્રયાસો ચાલુ છે. રિલાયન્સ ગ્રુપે અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનના રાહત ફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું છે.
અનંત અંબાણીએ જણાવ્યું છે કે, ઉત્તરાખંડના લોકો સાથે અમારો ઘેરો સંબંધ રહ્યો છે. છેલ્લા એક દાયકાથી અમે સુખ અને દુઃખ, બંને સમયમાં આ રાજ્યની પડખે રહ્યાં છીએ. હાલની કુદરતી આફતનો રાજ્ય અને તેની જનતાએ જે મક્કમ રીતે સામનો કર્યો છે એમાંથી રિલાયન્સમાં અમને સહુને પ્રેરણા મળી છે. અર્થસભર રીતે રાજ્યના કલ્યાણ માટે અમે યોગદાન આપી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઉત્તરાખંડમાં ભારે વરસા, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણી જાનહાનિ થઈ છે અને સંપત્તિને પુષ્કળ નુકસાન થયું છે. 2013ની સાલમાં ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યું હતું અને એમાં વ્યાપક સ્તરે નુકસાન થયું હતું. તે સમયથી રિલાયન્સ ગ્રુપ આ રાજ્યને વિકાસાર્થે મદદ કરી રહ્યું છે.