રણવીરસિંહ ભાગીદાર બનતાં કોસ્મેટિક બ્રાન્ડ બની ગઈ રૂ.4,100 કરોડની કંપની

મુંબઈઃ ભારતના કોસ્મેટિક ઉદ્યોગમાં ‘નાઈકા’ અને ‘પર્પલ’ નામક ભારતીય બ્રાન્ડ હાલ છવાયેલી છે. હવે એક અન્ય ભારતીય બ્રાન્ડ ‘સુગર કોસ્મેટિક્સ’એ ઉક્ત બંને કંપનીને ટક્કર આપવા કમર કસી છે. આ કંપનીનું સંચાલન એક દંપતી કરે છે – વિનીતા સિંહ અને કૌશિક મુખરજી. વિનીતાસિંહ સુગર કોસ્મેટિક્સનાં CEO છે જ્યારે એમનાં પતિ કૌશિક COO છે. આ બંને જણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં શિક્ષણ લેતી વખતે એકબીજાંને પહેલી વાર મળ્યાં હતાં અને એ પછી તેઓ પ્રેમના બંધનમાં અને ત્યારબાદ લગ્નના બંધનમાં બંધાયાં.

વિનીતા અને કૌશિકે પહેલાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઈન્ટર્નશિપ કરી હતી અને ત્યારબાદ પોતાની બે અલગ અલગ કંપનીઓ શરૂ કરી હતી. વિનીતાને રૂ. એક કરોડના પગારની સાથે એક નોકરી મળી હતી, પરંતુ એમણે તે નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરી હતી. એમણે નાના ઈન્વેસ્ટમેન્ટ સાથે સુગર કોસ્મેટિક કંપની શરૂ કરી હતી. એમનાં પતિ કૌશિક તે સ્ટાર્ટઅપના આરંભમાં એક અદ્રશ્ય બળ બન્યા હતા. કૌશિકની કંપની મહિલાઓ માટે બેગ્સ બનાવતી હતી. 2012ની સાલમાં કૌશિક એમનાં પત્ની સાથે સુગર કોસ્મેટિક્સમાં જોડાઈ ગયા હતા.

કંપનીએ પહેલા જ વર્ષમાં રૂ. 52 લાખનો નફો કર્યો હતો અને તેમાં વૃદ્ધિ થતી રહી. આ કંપનીએ બોલીવુડ અભિનેતા રણવીરસિંહનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને તેણે સુગર કોસ્મેટિક્સમાં પાંચ કરોડ ડોલર – એટલે કે 414 કરોડ રૂપિયા મૂડીરોકાણ કર્યું હતું. રણવીરના જોડાવાથી કંપનીનું વેલ્યૂએશન ધરખમપણે વધી ગયું અને આજે તે 50 કરોડ ડોલર અથવા રૂ. 4,100 કરોડની કંપની બની છે. સુગર કોસ્મેટિક્સનું લક્ષ્ય ફાલ્ગુની નાયરની નાઈકા અને રિલાયન્સની ટીરા તથા રતન ટાટાની ટાટા ક્લિક જેવી અન્ય માંધાતા બ્રાન્ડ્સને ટક્કર આપવાનું છે.