40 લાખના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી રાહત  

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન સ્વ. અરુણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ઓગસ્ટે તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા. નાણાં મંત્રાલયે જેટલીની પહેલી પુણ્યતિથિ પર ટ્વીટ્સની એક શૃંખલા પોસ્ટ કરી હતી. અરુણ જેટલીનું દેશમાં અપ્રત્યક્ષ કર GST લાગુ કરવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. GSTમાં 17 સ્થાનિક કરવેરા સામેલ છે, જેને 1 જુલાઈ, 2017એ લાગુ કરવામાં આવ્યા હતા. જેટલીએ 2014 પછી મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમ્યાન ફાઇનાન્સ પોર્ટફોલિયો સંભાળ્યો હતો.

GST હેઠળ ટેક્સ વસૂલાતમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કરદાતાનો બેઝ આશરે બે ગણો થઈને 1.24 કરોડ થઈ ગયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ GSTના એ દરોને ઓછા કરવામાં આવ્યા છે, જેના પર લોકોએ કરની ઓછી ચુકવણી કરવાની રહેશે. RNR (રેવન્યુ ન્યુટ્રલ રેટ) સમિતિ અનુસાર પહેલાં દેશમાં રેવન્યુ ન્યુટ્રલ રેટ 15.3 ટકા હતા, એની તુલનામાં રિઝર્વ બેન્કના અનુસાર વર્તમાનમાં વેટેડ GST રેટ માત્ર 11.6 ટકા છે.

હાઉસિંગ ક્ષેત્ર પર પાંચ ટકા સ્લેબમાં રાખવામાં આવ્યો છે. જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પર GST ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે.

ટેક્સ પેયર્સનો બેઝ વધ્યો

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે GST લાગુ થયા પછી ટેક્સપેયર્સનો બેઝ આશરે બે ગણો થઈ ગયો છે. જ્યારે GSTની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કરદાતાઓની સંખ્યા લગભગ 65 લાખ હતી, હવે કરદાતાનો આધાર 1.24 કરોડથી વધુ છે. અત્યાર સુધી 50 કરોડ રિટર્ન ઓનલાઇન ભરવામાં આવ્યાં છે અને 131 કરોડ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.

230માંથી 200 ચીજવસ્તુઓ નીચલા સ્લેબમાં ટ્રાન્સફર

નાણાં મંત્રાલયનું કહેવું છે કે GST લાગુ થયા પછી મોટી સંખ્યામાં કરના દરોને નીચે લાવવામાં આવ્યા હતા. હવે 28 ટકાના દરો આશરે સંપૂર્ણ રીતે વ્યસનના ઉત્પાદનો અને લક્ઝરી ચીજવસ્તુઓ સુધી સીમિત છે. 28 ટકાના સ્લેબની કુલ 230 ચીજવસ્તુઓમાંથી આશરે 200 ચીજવસ્તુઓને નીચલા સ્લેબમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. દૈનિક ધોરણે કામ આવતી મોટા ભાગની ચીજવસ્તુઓ પર GST શૂન્ય અથવા પાંચ ટકા છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ અને સાબુ પર GST લાગુ થવા પહેલાં 29.3 ટકા હતો, જે હવે 18 ટકા છે.

ફ્રિજ, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર, ફૂડ ગ્રાઇન્ડર્સ અને મિક્સર, વોટર હીટર, હેર ડ્રાયર અને 32 ઇંચ ટીવી વગેરે પહેલાં 31.3 ટકા હતી, હવે આ ચીજવસ્તુઓ 18 ટકાના GSTના સ્લેબમાં છે. ફિલ્મની ટિકિટ પર ટેક્સના દરો પહેલાં 35થી 110 ટકાની વચ્ચે હતી, જે હવે 12થી 18 ટકાના દરની વચ્ચે છે. રેસ્ટોરાં પર પાંચ ટકા GST લાગુ છે.

વાર્ષિક 40 લાખના ટર્નઓવર પર GSTમાંથી રાહત

નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી છૂટ મળશે, પ્રારંભમાં આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી. આ સિવાય 1.5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા લોકો કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે અને માલસામાન પર માત્ર એક ટકો કર ચુકવણી કરી શકે છે.

કૃષિ ક્ષેત્રને પણ લાભ

કૃષિ ક્ષેત્રને GSTમાં પર્યાપ્ત રાહત આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રોનાં મશીનો પર કરના દરોને 15-18 ટકાથી ઘટાડીને 12 ટકા થઈ ગઈ છે. કેટલીક ચીજવસ્તુઓમાં આશરે આઠ ટકાથી ઘટાડીને પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.