નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ચોમાસામાં સારોએવો વરસાદ પડ્યા પછી ચાલુ રવી સીઝન દરમિયાન શિયાળુ કૃષિ પાકોનું વાવતેર વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં 15 જાન્યુઆરી, 2021 સુધી 652 લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં દોઢ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ગઈ રવી સીઝનમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાનમાં 642 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયું હતું. રવી પાકોના વાવેતરમાં વધારો મુખ્યત્વ ઘઉં, ચોખા, ચણા સહિતના કઠોળ અને તેલીબિયાં પાકોના ક્ષેત્રફળમાં વૃદ્ધિને આભારી છે.
રવી સીઝનના મુખ્ય પાક ઘઉંનું વાવેતર બે ટકા વધીને 337.14 લાખ હેક્ટરમાં થયું હતું. તેવી જ રીતે ચોખાનો વાવેતર વિસ્તાર પણ 5 ટકા વધીને 21.04 લાખ હેક્ટર થયો છે. પંજાબ, હરિયાણ રાજ્યમાં ખેડૂતો આંદોલન વચ્ચે પણ ઘઉં અને ચોખાના વાવેતરમાં વધારો થયો છે.
ઘઉંની નિકાસ ત્રણ ગણી વધવાની શક્યતા
આ વર્ષે દેશમાં ઘઉંની નિકાસ ત્રણ ગણી વધવાની સંભાવના છે. USDAના જણાવ્યા મુજબ 2020-21માં ભારતના ઘઉંની નિકાસ 18 લાખ ટને પહોંચે એવી શક્યતા છે. ગયા વર્ષે દેશમાં ઘઉંનું નોંધપાત્ર રહ્યું હતું અને આ સીઝનમાં પણ ઉત્પાદન વધવાની અપેક્ષા છે. દેશમાંથી વર્ષ 2019-20માં 5.95 લાખ ટનની ઘઉંના નિકાસ થઈ હતી.
ભારતની ઘઉંની નિકાસ
વર્ષ | ઘઉંની નિકાસ |
2014-15 | 18.17 Lakh Tons |
2015-16 | 9.08 Lakh Tons |
2016-17 | 4.3 Lakh Tons |
2017-18 | 5.17 Lakh Tons |
2018-19 | 4.94 Lakh Tons |
2019-20 | 5.95 Lakh Tons |
2020-21: | 18 Lakh Tons (Estimate) |
USDAના અંદાજ લગાવ્યો હતો કે વર્ષ 2020-21માં ભારતથી 18 લાખ ટન નિકાસ સંભવ છે. આ દરમ્યાન વૈશ્વિક ઘઉંની કિંમત છ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ વખતે ભારતથી ઘઉંની નિકાસની કિંમત 285 ડોલર પ્રતિ ટન સંભવ છે. વાર્ષિક આધારે ઘઉંની કિંમત 18.5 ટકા વધારો જોવા મળી છે.