નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટની તૈયારીમાં હાલ વ્યસ્ત છે. દરમિયાન, રિયલ એસ્ટેટ ક્ષેત્રએ હાઉસિંગ સેક્ટર માટે કરવેરામાં અનેક રાહતો આપવાની માગણી કરી છે. તેનું કહેવું છે કે કોરોનાવાઈરસ સંકટે હાઉસિંગ સેક્ટરને પાયમાલ કરી નાખ્યું છે તેથી કરવેરામાં રાહત મળે તો આ કટોકટીનો સામનો કરવામાં સેક્ટરને મદદ મળશે. હાઉસિંગ સેક્ટરે બીજી એવી પણ માગણી કરી છે કે સરકાર હોમ લોન ઉપર ચૂકવાતા વ્યાજ પર રૂ. 2 લાખની કર-કપાતને વધારે.
કેન્દ્રીય બજેટ રજૂ કરવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. જોકે એવી ધારણા છે કે નિર્મલા સીતારામન આવતી 1 ફેબ્રુઆરીએ જ બજેટ સંસદમાં રજૂ કરશે.