RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ

 અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા.

વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં પણ જળવાયેલી તેજીને પગલે સ્થાનિક બજારોમાં પણ તેજીની આગેકૂચ રહી હતી. બીજી બાજુ ચીનમાં પ્રસરેલો કોરોનો વાઇરસની અસર શેરબજારો ઓછી થઈ હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સે મહત્ત્વની એવી 12,100ની સપાટી વટાવી હતી. રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે ચાવીરૂપ વ્યાજદરો જાળવી રાખતાં એકોમોડેટિવ વલણ રાખ્યું હતું. જેથી આગામી સમયમાં વ્યાજદરોમાં કાપ મૂકવાના સંકેતો આપ્યા હતા.

રિઝર્વ બેન્કે અપેક્ષા અનુસાર રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. બેન્કે રિવર્સ રેપો રેટ 4.9 ટકાના દરે જાળવી રાખ્યો હતો.સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ  પીએસયુ બેન્ક, ઓટો, મિડિયા, મેટલ, ફાઇનાન્શિયલ ફાર્મા અને ખાનગી ભેન્ક શેરોમાં ભારે લેવાલી ચાલુ રાખી હતી. જોકે  એફએમસીજી અને આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું વલણ હતું.