નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની MPCની દ્વિમાસિક બેઠક 3-5 ઓગસ્ટે ધિરાણ નીતિની સમીક્ષા માટે મળવાની છે. આ બેઠકમાં RBI 25થી 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે, એમ વિવિધ ફંડ મેનેજરો અને અર્થશાસ્ત્રીનો અંદાજ છે. છૂટક મોંઘવારીનો દર હજી પણ રિઝર્વ બેન્કના લક્ષ્યની ઉપર છે, જેથી રેપો રેટમાં વધારાની પૂરી આશંકા છે. જો RBI રેપો રેટમાં વધારો કરશે તો બધી લોન મોંઘી થશે. હોમ લોન ઓટો લોનનો EMI વધશે.
રિઝર્વ બેન્કે છેલ્લી બે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે 90 પોઇન્ટનો વધારો કર્યો હતો. બીજી બાજુ અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. RBIએ આ પહેલાં મે અને જૂનમાં સતત બે વાર વ્યાજદરમાં અનુક્રમે 40 બેઝિસ પોઇન્ટ અને 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્ક વધતા મોંઘવારીના દરો પર કાબૂ મેળવવા માટે વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે.
એક્સિસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીનું માનવું છે કે રિઝર્વ બેન્ક ભલે મોંઘવારીના દરને કાબૂમાં કરવા વ્યાજદરમાં વધારો કરે, પણ ફુગાવાનો દર આગામી કેટલાક મહિનાઓ સુધી છ ટકાની ઉપર રહે એવી શક્યતા છે. વળી, સપ્ટેમ્બરમાં મોંઘવારી દર ઓર વધશે, જે પછીના સમયમાં ફુગાવાના દરમાં ઘટાડાની શક્યતા છે. માર્ચ સુધીમાં ફુગાવાનો દર છ ટકાથી નીચે આવે એવી શક્યતા નથી, એમ તેમણે કહ્યું હતું.