શું ઓલા અને ઉબેરનું વિલીનીકરણ થશે? જાણો…

નવી દિલ્હીઃ દેશભરમાં કેબ સર્વિસ પ્રોવાઇડર કરતી કંપની ઓલા અને ઉબેરના વિલીનીકરણ પર છેલ્લા કેટલાક દિવસોથી ઊહાપોહ ચાલી રહ્યો છે. ઓલા અને ઉબેર એક જ વ્યવસાયમાં હોવાથી એકમેકની રાઇવલ કહેવાય છે. આવામાં બંને કંપનીઓનું સંભવિત વિલીનીકરણની માહિતી લોકો અને રોકાણકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જોકે આ ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં ઓલાના સ્થાપક અને CEOએ સ્પષ્ટતા કરી છે.

દેશમાં કેબ સર્વિસ પર ઓલા અને ઉબેરે મોટા ભાગે કબજો કર્યો છે. બંને કંપનીઓ એકબીજાને હરીફ કંપનીઓ માને છે. જોકે બંને કંપનીઓમાં સોફ્ટ બેન્કે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. સોફ્ટ બેન્કના દબાણ પર ઓલા ને ઉબેરના ટોચના અધિકારીઓએ વિલીનીકરણને લઈને સાન ફ્રાન્સિસ્કોમાં મુલાકાત કરી હતી.

સાન ફ્રાન્સિસ્કોમાં થયેલી મીટિંગમાં ઓલાના સ્થાપક અને CEO ભાવેશ અગ્રવાલ અને ઉબેરના ટોચના અધિકારીઓએ બંને કંપનીઓના વિલીનીકરણ માટે ચર્ચા કરી હતી. એવું મનાય છે કે એ પછી એવા સમાચાર વહેતા થયા હતા કે ઓલા અને ઉબેરનું વિલીનકરણ થવાનું છે. આ માહિતીથી બંને કંપનીઓના શેર્સમાં રોકાણ કરનારા રોકાણકારો અસમંજસમાં આવી ગયા હતા.

જોકે વિલીનીકરણની ચાલતી અટકળોની વચ્ચે ઓલાના CEO ભાવેશ અગ્રવાલે વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ વિલીનીકરણની વાતો બકવાસ છે. એ માત્ર અફવા છે. ઓલા નફો કરી રહી છે અને ગ્રોથ પણ વધી રહ્યો છે, જો કોઈ કંપની ભારતમાં પોતાનો વેપાર છોડવા ઇચ્છે તો એનું સ્વાગત છે. અમે ક્યારેય વિલીનીકરણ નહીં કરીએ, એમ તેમણે કહ્યું હતું.