નવી દિલ્હીઃ RBIએ કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્ર મજબૂત અને સ્થિર છે. RBIના આશ્વાસનથી અદાણી ગ્રુપમાં બેન્કોના એક્સપોઝરને લઈને હાલના દિવસોમાં થઈ રહેલી ચિંતા ઓછી થઈ છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગે રિચર્સ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગનું કહેવું છે કે અદામી ગ્રુપ પર ભારે દેવાં છે. એના શેરો ઘણા વધુ ઓવરવેલ્યુડ છે. એ સિવાય કંપનીએ શેરોની કિંમત વધારવા માટે તમામ ગેરકાયદે પ્રકાર અપનાવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
અદાણી ગ્રુપના શેરોમાં ભારે દબાણને પગલે રૂ. 20,000 કરોડનો FPO પરત લીધો હતો. મિડિયામાં આ પ્રકારના અદેવાલ આવ્યા હતા કે તમામ મોટી બેન્કોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં ફંડ અને બિન ફંડ આધારિત એક્સપોઝર લઈ રાખ્યું છે. એક અહેવાલ મુજબ અદાણી ગ્રુપની કંપનીઓનાં કુલ દેવાંમાં 38 ટકા હિસ્સો મોટી બેન્કોનો છે. અદાણી ગ્રુપનાં દેવાંમાં 37 ટકા હિસ્સો બોન્ડ અને કોંમર્શિયલ પેપરનો છે, જ્યારે 11 ટકા દેવાં નાણાકીય સંસ્થાઓમાંથી લીધું છે, જ્યારે બાકીના 12-13 ટકા દેવાં ઇન્ટર ગ્રુપ લેન્ડિંગ દ્વારા લેવામાં આવ્યું હતું.
RBIનું નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે દેશની સૌથી મોટી બેન્ક SBIએ અદાણી ગ્રુપનાં દેવાં સાથે જોડાયેલી ચિંતાને નકારતાં કહ્યું હતું કે એના માત્ર રૂ. 27,000 કરોડ અદાણી ગ્રુપની કંપનીઓમાં લાગેલાં છે, જે એની લોન બુકના 0.9 ટકા છે.