રિઝર્વ બેંકના રિલીફ પેકેજમાં કેવી, કેટલી અને કોની માટે રાહત છે?

ત્રણ મહિનાની રાહતથી કંઈક અંશે ચોકકસ હાશકારો થશે! લડાઇ લાંબી છે,
વધુ રાહત લાવવી પડશે!


ગરીબ વર્ગ માટેના આર્થિક રાહત પેકેજ બાદ બીજા દિવસે રિઝર્વ બેંકે વ્યકિતથી લઈ વેપારઉધોગ માટે રિલીફ પેકેજ જાહેર કર્યુ છે , જેમાં લોનના હપ્તામાં , વ્યાજમાં અને પ્રવાહિતામાં રાહત અપાઈ છે. સાથે વૈશ્વિક મંદી અને ભારતની મંદીની ગંભીર ચિંતા પણ કરાઇ છે. કઠિન દિવસો છે, કપરી લડાઈ છે, સરકાર અને રિઝર્વ બેંક સક્રિય રહેશે, કિંતુ પ્રજા તરીકે દરેક વ્યકિતએ પણ પોતાનું યોગ્યવ્યવસ્થિત આર્થિક આયોજન કરવું જોઈશે

કોરોના વાઈરસ સામેની લડતને મોદી સરકાર વધુ મજબુત બનાવવાની દિશામાં એક પછી એક કદમ ભરવા માંડી છે. દેશવ્યાપી લોકડાઉન સાથે લોકોને ઘરમાં બેસાડી દઈ સામાજીક શાંતિ મેળવવાના પ્રયાસ બાદ સરકારે લોકોની આર્થિક શાંતિ માટે ઠોસ કદમ ભરવાની બાબતને ઝડપ આપી છે. ગુરુવારે નાણાં પ્રધાને 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશના ગરીબ-અતિ જરૂરતમંદ વર્ગ માટે જાહેર કર્યા બાદ બીજા જ દિવસે -શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આ લડતમાં જોડાઈ ગઈ છે. નોંધનીય વાત એ છે કે રિઝર્વ બેંકે તેના રાહત પેકેજમાં મોટાભાગની અપેક્ષા સંતોષી હોવાનું જોવા મળે છે. આપણે ગઈકાલે નાણાં પ્રધાનના ગરીબો માટેના પેકેજની ચર્ચા કરી, આજે રિઝર્વ બેંકના રિલીફ પેકેજની વાત કરીએ. આમાંથી કોને કેટલી અને કેવી રાહત મળશે સમજીએ.

રિઝર્વ બેંકે શું રાહત આપી?

શું તમારે બેંકની કે નોન-બેન્ંિકગ ફાઈનાન્સીયલ કંપનીઝ (એનબીએફસી) ની લોનનો હપ્તો (ઈએમઆઈ) ચુકવવાનો આવે છે? શું તમને બેંકની લોનના વ્યાજનો ભાર લાગે છે? શું તમને બેંક ધિરાણ મેળવવામાં કઠણાઈ નડે છે? તો હવે તમારે આ ચિંતા કમસે કમ ત્રણ મહિના માટે કરવાની નથી. અલબત્ત, વ્યાજકાપનો લાભ તો લાંબો સમય મળતો રહેશે. જયારે કે હાલ ઈએમઆઈ(લોનના હપ્તામાં) સંબંધી ત્રણ મહિનાની રાહત અપાઈ છે. વર્કિગ કેપિટલ-ટર્મ લોન બાબતે પણ રાહત મળશે. અર્થાત વ્યકિતથી લઈ કંપનીઓ સુધી કોઈપણ તેની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી નહી ભરી શકે તો ચાલશે. બેંક યા એનબીએફસી તેમને કોઈ સવાલ નહીં કરે. ધિરાણ (બોરોઅર્સ) લેનાર વર્ગ માટે આ સંજોગોમાં આ મોટી રાહત ગણાય. અલબત્ત, કોવિડ-19ના સંજોગોમાં સુધારા ન થાય તો આ રાહત લંબાવાય એવું પણ બની શકે. આજે આપણા દેશમાં ઈએમઆઈ કલ્ચર વ્યાપક છે, લોકો અને વેપારી એકમો અનેક પ્રકારની લોન લઈ કામ ચલાવતા હોય છે, એવામાં રિઝર્વ બેંકની આ રાહત મોટો હાશકારો બની રહેશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને બિન-સંગઠિત વર્ગના બોરોઅર્સ તેમ જ મંદીના દબાણ હેઠળની કંપનીઓ મોદી સરકારની આ રાહતને આવકારશે અને યાદ પણ રાખશે.

બજારમાં પ્રવાહિતા વધવાથી નાણાંની છુટ રહેશે

અત્યારસુધી યુએસએ સહિતના દેશો મોટા-મોટા રાહત પેકેજ જાહેર કરતા હતા ત્યારે ભારત આમ કયારે કરશે સવાલ સતત ઊઠતા હતા, મોદી સરકાર આના જવાબ આપવા માંડી છે. રિઝર્વ બેંકે સીઆરઆર (કેશ રિઝર્વ રેશિઓ) અને એસએલઆર (સ્ટેચ્યુટરી લિકવીડિટી રેશિઓ) માં રાહત આપીને બેંકોના હાથમાં મોટી નાણાં છુટ (પ્રવાહિતા ) આપી દીધી છે, જેથી સિસ્ટમમાં અર્થાત બજારમાં નાણાંખેંચ ની ફરિયાદ રહે નહિ. સીઆરઆર એક ટકો ઘટાડી અને એસએલઆરમાં એક ટકાનો ફેરફાર કરીને રિઝર્વ બેંકે અનુક્રમે 1.37 લાખ કરોડ રૂપિયા અને 1.37 લાખ કરોડ રૂપિયા છુટા કર્યા છે. અન્ય આવી જ રાહત મારફત પણ નાણાં છુટા કરવાનો માર્ગ આપી રિઝર્વ બેંકે સિસ્ટમમાં -માર્કેટમાં કુલ 3.74 લાખ કરોડ રૂપિયાની પ્રવાહિતા ઉપલબ્ધ બનાવી છે. સીઆરઆરની મિનિમમ દૈનિક બેલેન્સ 90 ટકાથી ઘટાડી 80 ટકા કરાઈ છે. વર્તમાન કપરાં સંજોગોને ધ્યાનમાં રાખતા આ રાહત અર્થતંત્રને સહાયરૂપ બનશે એવી આશા રાખી શકાય.

ધિરાણ પરના વ્યાજનો બોજ ઘટશે

આ ઉપરાંત રિઝર્વ બેંકે રિપો રેટમાં 75 બેસિસ (પોણો ટકો) પોઈન્ટનો ઘટાડો કરી વ્યાજદરના કાપને પણ માર્ગ આપ્યો છે, જયારે કે રિવર્સ રિપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી પોતાનો નાણાં ઊભા કરવાનો માર્ગ હળવો કર્યો છે. આને પગલે ખાસ કરીને ફલોટિંગ રેટવાળાઓને વધુ લાભ થશે. તેમનો વ્યાજબોજ તરત જ ઘટશે. કહેવાય છે કે આગામી દિવસોમાં જરૂર જણાશે તો વધુ રેટકટ પણ આવી શકે. જો કે આને પગલે ડિપોઝિટ પરના વ્યાજદરને અસર થશે કે કેમ એ સવાલ ઊભો છે. આ વિષયમાં રિઝર્વ બેંકે કંઈ કહયું નથી, કિંતુ બેંકો પોતે આ વિષયમાં શું કરે છે તે જોવાનું રહેશે.

રિઝર્વ બેંકની ગંભીર ચિંતા શું છે?

આ બધી રાહત વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે બે મહત્ત્વની બાબત એ કહી છે કે ભારતીય બેંકો સલામત છે, જેથી લોકોએ આ વિષયમાં ગભરાવાની જરૂર નથી. જયારે કે દાસ સાહેબે ગ્લોબલ મંદીની ચિંતા ભારે સુરમાં વ્યકત કરી છે. ભારતનો વિકાસદર નીચે આવશે અને મંદી વધુ વકરી શકે છે. આ બાબત દર્શાવે છે કે હજી કપરા સંજોગો આવી શકે છે. કોવિડ-19 તો નજીકના ભવિષ્યમાં ચાલ્યું જાય એવું બની શકે, કિંતુ અર્થંતંત્ર સામેના પડકાર-સમસ્યા લાંબો સમય ઊભા રહેશે. જેની સામે લડવા રિઝર્વ બેંકે અને સરકારે સતત સક્રિય રહેવું જોઈશે.

આવી કટોકટીલડત જોઈ નથી

દાસ સાહેબના મતે આવી કટોકટી-આવી લડત સાવ જ પ્રથમવાર જોવાઈ રહી છે. આ લડત બહુ જ અઘરી છે. રિઝર્વ બેંકે પોતે જરૂર પડશે તો વધુ રાહતદાયી કદમ માટે તૈયાર રહેવાનું આશ્વાસન આપ્યું છે. અલબત્ત, કેન્દ્ર સરકાર પણ આ કપરાં સંજોગોમાં બધું ભૂલીને આર્થિક રાહતોને વધુ પ્રાધાન્ય આપશે એવું ચોકકસ માની શકાય. અત્યારે લોક ડાઉન ભલે 14 એપ્રિલ સુધીનો ગણાતો, કિંતુ એ પછી પણ સંજોગો પડકારરૂપ રહેવાની શકયતા ઊંચી છે. આવામાં સરકારની સાથે-સાથે લોકોએ પણ પોતાનું આર્થિક આયોજન વધુ વ્યવસ્થિત કરવું જરૂરી છે. બચત અને ખર્ચ તેમ જ રોકાણના આયોજનને વધુ મહત્ત્વ આપવું દરેકના હિતમાં રહેશે. કેટલીક બાબતોમાં સરકાર કરતા પોતાની ઉપર વધુ આધાર રાખવો અને તે આધાર માટે પોતાને વધુ સક્ષમ બનાવવામાં શાણપણ રહેશે.

કઈ લોન કવર થશે?

અહીં એક બાબત નોંધવી જરૂરી છે કે રિઝર્વ બેંકે ઈએમઆઈ બાબતે બેંકોને મોરેટોરિયમની છુટ આપી છે. એટલે કે આપોઆપ બોરોઅરે ત્રણ મહિના ઈએમઆઈ ભરવાનો નહીં આવે એમ નહીં બને. એક તો, આ રકમ પછીથી તો ભરવાની છે જ, બીજું, હાલ પણ રાહત જોઈતી હશે તો જે-તે બોરોઅરે બેંકને કારણ આપવું પડશે અને પોતાની આવકને કોરોનાને કારણે અસર થઈ હોવાથી તે ઈએમઆઈ ભરી શકે એમ નથી એ બાબતે કન્વીન્સ કરવાનું રહેશે.

આ ઈએમઆઈ હેઠળ કઈ લોન કવર થશે એ વિશે પ્રાપ્ત માહિતી મુજબ હોમ લોન, શૈક્ષણિક લોન, પર્સનલ લોન, ઓટો લોન,કન્ઝયુમર ડયુરેબલ માટેની લોન વગેરેનો સમાવેશ થશે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]