મુંબઈ: બીએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા માત્ર બે વર્ષમાં બમણી વધીને હવે 11 કરોડને વટાવી ગઈ છે અને હજી તેમાં વધારો થઈ રહ્યો છે.
બીએસઈના વિવિધ પ્લેટફોર્મ્સ ભારતીય કંપનીઓ માટે પસંદગીનાં પ્લેટફોર્મ્સ રહ્યાં છે. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બીએસઈના પ્લેટફોર્મ મારફત દેશની કંપનીઓએ ઈક્વિટી બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ ઈન્વઆઈટીઝ વગેરે મારફતે રૂ.3.1 લાખ કરોડ એકત્ર કર્યા છે, એમ બીએસઈએ અખબારી યાદીમાં જણાવાયું છે.
બીએસઈના કરન્સી ડેરિવેટિવ્ઝમાં દૈનિક સરેરાશ ટર્નઓવર ચાર ટકા વધીને રૂ.24,567 કરોડ થયું છે. જોકે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અનુક્રમે 28 ટકા અને 62 ટકાનો ઘટાડો થયો છે.
આવક વધી,ચોખ્ખા નફો ઘટયો
બીએસઈ લિમિટેડના 30 જૂન, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ વહેંચણીપાત્ર ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.53.4 કરોડથી 18 ટકા ઘટીને રૂ.44 કરોડ થયો છે. કાર્યકારી નફાનું માર્જિન જોકે 26 ટકાથી વધીને 27 ટકા થયું છે. કામકાજની આવક રૂ.157 કરોડથી 19 ટકા વધીને રૂ.186.9 કરોડ થઈ છે.
વહેંચણીપાત્ર નફામાં સંલગ્ન કંપનીઓનો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.13.6 કરોડથી 20 ટકા ઘટીને રૂ.10.9 ટકા થયો છે. જોકે કોન્સોલિડેટેડ આવક રૂ.185.7 કરોડથી 6.4 ટકા વધીને રૂ.197.7 કરોડ થઈ છે.
ઉક્ત ત્રિમાસિક ગાળામાં બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર 10 કંપનીઓ લિસ્ટ થઈ હતી એ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 30 જૂન, 2022ના રોજ 377ની થઈ હતી. લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 14ની થઈ છે. એસએમઈ ક્ષેત્રે બીએસઈનો બજાર હિસ્સો 60 ટકા રહ્યો છે.
બીએસઈના મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ સ્ટાર એમએફની કામગીરી ઝડપથી વધી રહી છે અને 30 જૂન અંતેના ત્રિમાસિક ગાળામાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 3.5 કરોડથી 68 ટકા વધીને 5.9 કરોડ ટ્રાન્ઝેક્શન્સની થઈ છે.