સરેરાશ ફુગાવાનો દર 2022માં મહત્તમ 6.82 ટકાના સ્તરે

નવી દિલ્હીઃ દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ફુગાવાના દર પર થઈ રહેલી ચર્ચાની વચ્ચે 2014 પછીના સરકારી ડેટાથી માલૂમ પડે છે કે ચાલુ વર્ષ 2022માં સરેરાશ મોંઘવારીનો દર 6.82 ટકાના મહત્તમ સ્તરે છે. સરકારી ડેટા મુજબ 2014માં સરેરાશ ફુગાવાનો દર 6.65 ટકા હતો. જે 2015માં ઘટીને 4.91, 2017માં 3.33, 2019માં 3.72 ટકા હતો, પણ એ વધીને 2020માં 6.62 અને 20021માં 5.14 ટકાના સ્તરે હતો.

નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસ (NSO) કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પ્રતિ મહિને 12 તારીખે (જો રજા હોય તો પછીના દિવસે) ફુગાવાનો દર જાહેંર કરે છે.  સ્ટેસ્ટિક્સ મંત્રાલય અનુસાર CPI આધારિત ફુગાવામાં મુખ્ય યોગદાન ફૂડ અને ફ્યુઅલ સંબંધિત ઇન્ડેક્સમાં વધારો થવાને કારણે થાય છે. ફૂડ ઇન્ફલેશનમાં અનાજ, દૂધ, ફળો, શાકભાજી, મસાલા અને તૈયાર ભોજનનો સમાવેશ થાય છે. વળી, ફૂડ ઇન્ફ્લેશનમાં LPG અને કેરોસીનની કિંમતોમાં વધારો સામેલ થવાને કારણે વધે છે.

સરકાર દ્વારા નિયમિત ધોરણે જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોની દેખરેખ રાખવામાં આવે છે અને સમયાંતરે કિંમતોને કાબૂમાં રાખવા પગલાં લેવામાં આવે છે. સરકાર દ્વારા ફુગાવાને કાબૂમાં લેવા માટે દાળોની આયાત ડ્યુટી ઘટાડવામાં આવી હતી અને ખાદ્યતેલોની અને તેલિબિયા પર સ્ટોકમર્યાદા લાદવામાં આવી હતી. આ ઉપરાંત કાંદા અને દાળોનો બફર સ્ટોક પણ રાખવામાં આવે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કની MPC દ્વારા ફુગાવાનો દર RBIના લક્ષ્યની ઉપર રહેતાં રેપો રેટમાં બે ભાગમાં 90 બેઝિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. RBI આગામી બેઠકમાં પણ વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે.