નવી દિલ્હીઃ આવતી 1 ફેબ્રુઆરીએ ભારતનું વર્ષ 2023-24 માટેનું વાર્ષિક સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરાશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તે જ બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરશે. આ વખતના રેલવે બજેટમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. તે ઉપરાંત ‘મેક ઈન ઈન્ડિયા’ હાઈ-સ્પીડ ટ્રેનો તેમજ રેલવેની અધૂરી યોજનાઓને પૂરી કરવા પર ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દેશમાં જ બનાવવામાં આવેલી હાઈ-સ્પીડ ટ્રેનો શક્ય એટલી જલદી કાર્યશીલ થાય તે માટે એને સંબંધિત યોજનાઓ પર વિશેષ ધ્યાન અપાશે. મોદી સરકાર સમગ્ર રેલવે પ્રણાલીના પાયાગત ઢાંચાને વધારે મજબૂત કરવા માટે રેલવે બજેટમાં 20-25 ટકાનો વધારો કરવા પર વિચારણા કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24માં રેલવે સેક્ટર માટે આશરે રૂ. 1.80 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાય એવી ધારણા છે. વર્ષ 2022-23માં આ આંકડો રૂ. 1.40 લાખ કરોડ હતો.
નવી લાઈનો પર પાટા નાખવા, સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારવા, હાઈડ્રોજન-સંચાલિત ટ્રેનો શરૂ કરવા અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજના પર કામકાજની ગતિ વધારવા માટે વધારે નાણાકીય ફાળવણી કરવામાં આવશે. તમામ એક્સપ્રેસ અને મેલ ટ્રેનોમાં જૂના પરંપરાગત ડબ્બાઓને કાઢીને એની જગ્યાએ ભારતમાં નિર્મિત અને જર્મનીમાં ડિઝાઈન કરાયેલા LHB ડબ્બાઓ જોડવાનું પણ કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે.