જાહેર ક્ષેત્રની બેકોમાં નવ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની છેતરપિંડી

ઇન્દોરઃ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં જાહેર ક્ષેત્રની 18 બેન્કોમાં રૂ. 1.17 લાખ કરોડની છેતરપિંડીના કુલ 8,926 કેસ નોંધાયા છે, એમ એક આરટીઆઇના જવાબમાં વિગતો બહાર આવી છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આ છેતરપિંડીને લીધે સૌથી મોટો ફટકો પડ્યો છે. આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગોરે કરેલી આરટીઆઇના જવાબમાં આ છેતરપિંડીઓ વિશે જાણવા મળ્યું છે.એસબીઆઇના ડિસેમ્બર, 2019 સુધીના પૂરા થતા નવ મહિનાના સમયગાળામાં રૂ. 30,300 કરોડની બેકિંગ છેતરપિંડીના કુલ 4,769 કેસો નોંધાયા હતા.

એપ્રિલથી નવ મહિનાના ગાળામાં રૂ. 1,17,463.73 કરોડની બેન્કિંગ છેતરપિંડીના કુલ નોંધાયેલા કેસોમાં આ 26 ટકા જેટલા છે, એમ તેમણે કહ્યું હતું. આ જ રીતે પંજાબ નેશનલ બેન્કમાં આ સમયગાળા દરમ્યાન બેન્કિંગ છેતરિંડીના આ જ સમયગાળામાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 5,604.55 કરોડની છેતરપિંડી થઈ હતી, જેમાં છેતરપિંડીના 292 કેસો નોંધવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની સાથે રૂ. 5,556.64 કરોડના 151 કેસો નોંધવામાં આવ્યા છે અને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ  સાથે રૂ. 4,899.27 કરોડની થયેલી છેતરપિંડીના બનાવોમાં 282 કેસો નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત કુલ રૂ. 31,600.76 કરોડની છેતરપિંડીના કુલ 1,867 કેસો કેનેરા બેન્ક, યુકો બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક અને પંજાબ અને સિંધ બેન્કમાં નોંધવામાં આવ્યા હતા. જોકે રિઝર્વ બેન્કે આ બેન્કિંગ છેતરપિંડીઓ વિશે કોઈ વિશેષ વિગતવાર માહિતી નહોતી આપી કે આ નુકસાન બેન્કોએ કે ગ્રાહકોએ ભોગવવું પડશે.