અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની અપેક્ષાઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાના દરે વધવાની અપેક્ષા છે, જે વિશ્વનાં સૌથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતીય ડિજિટલ અર્થતંત્રનું કદ વર્ષ 2025 સુધી 1000 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી જશે. ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ વિશે તેમણે કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રીય પાયાના માળખામાં 1500 અબજ ડોલરના મૂડીરોકાણની તક છે.

નવા ભારતના દરેક ક્ષેત્રમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે અને દેશના આર્થિક સુધારાનો એક મુખ્ય સ્તંભ ટેક્નોલોજી આધારિત વૃદ્ધિ છે. અમે દરેક ક્ષેત્રમાં ઇન્નોવેશનને ટેકો આપી રહ્યા છીએ. બ્રિક્સ બિઝનેસ ફોરમનું આયોજન પાંચ દેશોના પાંચ સૌથી મોટા વિકાસશીલ દેશો-બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાને એક મંચ પર લાવે છે. આ દેશોનો કુલ હિસ્સો વૈશ્વિક વસતિમાં 41 ટકા, વૈશ્વિક GDPમાં 24 ટકા અને વૈશ્વિક વેપારમાં 16 ટકા છે.

વિશ્વમાં લાંબા સમય સુધી ઝડપથી વિકસનારું અર્થતંત્ર ભારતનું હતું, પણ વૈશ્વિક કોરોના રોગચાળાને કારણે અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાયું હતું. જોકે કોરોનાની રસી અપાયા પછી વેપાર-ધંધાની કામગીરી પાટે ચઢતાં અર્થતંત્ર ઝડપથી કોરોના રોગચાળાના પહેલાંની જેમ ફરી દોડતું થયું છે.