નવી દિલ્હી: કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સરકાર પ્રત્યે ઉદ્યોગ જગતમાં ડર અને શંકાનો માહોલની વાતને ખોટો પ્રચાર ગણાવતા કહ્યું કે, બેઈમાન અને ભ્રષ્ટ લોકો વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરોધમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી માત્ર એક પડાવ છે, આપણા સપના એનાથી પણ મોટા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમુક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરુદ્ધ છે. કેટલાક લોકો એવી છબી બનાવવાના પ્રયાસમાં છે કે, ભારત સરકાર ઉદ્યોગપતિઓની પાછળ ડંડો લઈને પડી છે. કેટલાક બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓ વિરુદ્ધ છે.
પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં ઉદ્યોગપતિઓની સમસ્યાઓને સાંભળી છે અને તેને દુર પણ કરી છે. આજકાલ આઈબીસીની ચર્ચા થાય છે. આ કાયદો માત્ર ડુબેલા નાણા વસૂલ કરવાનો કાયદો નથી રહ્યો પણ ઈમાનદાર ઉદ્યોગપતિઓના ભવિષ્યને બચાવતો કાયદો પણ છે. આ કાયદાએ ઈન્સેક્ટર રાજને ખતમ કરી નાખ્યું છે. આ કાયદાએ ઈમાનદાર ઉદ્યોગપતિઓને કોઈ પણ પરિસ્થિતિમાં નિષ્ફળ થવા પર ધંધામાંથી નિકળવાનો વિકલ્પ આપ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, 2014માં સત્તામાં આવ્યા પછી તેમની સરકારે ભારતીય ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે વાતનું હંમેશા ધ્યાન રાખ્યું છે. અમારી સરકારની વિચારધારા રહી છે કે, દેશમાં કારોબાર માટે યોગ્ય માહોલ બને જેથી તે ઉદ્યોગો રાષ્ટ્ર નિર્માણાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે. સરકારનું લક્ષ્ય ઉદ્યોગજગતને કાયદાની ઝાળમાંથી બહાર કાઢવાનું છે આ પ્રયાસના ભાગરૂપે જ 13 હજારથી વધુ કાયદાઓને સમાપ્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના દિગ્ગજ બિઝનેસમેનો સાથે અર્થવ્યવસ્થાને લઇને પણ મહત્વની બેઠક કરી હતી. તેમણે ઉધોગપતિઓ સાથે અર્થતંત્રના ગ્રોથ અને રોજગારી સર્જનના મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ બેઠકમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપના રતન ટાટા, એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.