સર્વશ્રેષ્ઠ કાર્યસ્થળઃ પિડિલાઈટ કંપનીએ મેળવી સિદ્ધિ

મુંબઈઃ ફેવિકોલ જેવા ચીકણા (એડહેસીવ) પદાર્થોનું ઉત્પાદન કરતી મુંબઈસ્થિત કંપની પિડિલાઈટ ઈન્સ્ટ્રિઝ લિમિટેડને ભારતના મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરવા માટે સર્વશ્રેષ્ઠ સ્થળ હોવાનું ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વર્ષ 2022માં મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતના ટોચના એવા 30 કાર્યસ્થળમાં પહેલું સ્થાન પિડિલાઈટે મેળવ્યું છે, જ્યાં કર્મચારીઓ કામ કરવામાં સૌથી વધારે આનંદનો અનુભવ કરે છે.

વર્કપ્લેસ પરિસ્થિતિ અંગે વૈશ્વિક સ્તરે નામાંકિત સંસ્થા – ગ્રેટ પ્લેસ ટુ વર્ક કર્મચારીઓનાં અનુભવ અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આ કામગીરી તે ત્રણ દાયકાથી બજાવે છે. દર વર્ષે તે એની સાથે ભાગીદાર કરનાર 60 દેશોમાં 10 હજારથી વધારે કંપનીઓ-સંસ્થાઓનો સર્વે કરે છે. આ વર્ષે સર્વેની પાંચમી આવૃત્તિમાં ઉત્પાદન ક્ષેત્રની 132 કંપનીઓ-સંસ્થાઓનું કાર્યસ્થળ તરીકે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિસ્તૃત મૂલ્યાંકનના આધારે સર્વે કરનારી સંસ્થાએ ભારતમાં ટોચના 30 વર્કપ્લેસની પસંદગી કરી છે. એમાં મુંબઈના અંધેરીસ્થિત પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝે પહેલો નંબર હાંસલ કર્યો છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભરત પુરીનું કહેવું છે કે પિડિલાઈટને મળેલી આ માન્યતા અમારા દરેક કર્મચારીએ કંપનીમાં રાખેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. એને કારણે જ અમારી કંપની આજે હાઈ-પરફોર્મિંગ ભારતીય મલ્ટીનેશનલ કંપની બની છે જ્યાં કર્મચારીઓને કામ કરવાનો આનંદ આવે છે.