‘તમારી વિચારસરણી બદલો, તમારું જીવન બદલાઈ જશે’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં શનિવાર, 29 જાન્યુઆરીએ નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર સિરીઝમાં ‘સાધારણથી અસાધારણ અથવા સામાન્યથી અસામાન્ય સ્તર સુધીના જીવનની પરિવર્તનકારી સફર’ વિષય પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ પર્સનલ ફાઈનાન્સ, વીતેલા વર્ષમાંથી બોધપાઠ અને ભવિષ્ય માટે યોગ્ય નાણાકીય ધ્યેયનું આયોજન કરો અને તેને નિશ્ચિત કરો.

આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ સ્વામી સુખબોધાનંદ (ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ, આધ્યાત્મિક તથા કોર્પોરેટ ગુરુ), કે.એસ. રાવ (હેડ, ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ, આદિત્ય બિરલા સનલાઈફ AMC લિમિટેડ) અને અમિત ત્રિવેદી (પર્સનલ ફાઈનાન્સમાં નિષ્ણાત અને લેખક). અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. ‘ચિત્રલેખા’ દ્વારા પહેલી જ વાર આ વેબિનારનું આયોજન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – એમ ત્રણ ભાષામાં કર્યું હતું.

સ્વામી સુખબોધાનંદે અંગ્રેજી અને હિન્દી ભાષામાં સંબોધન કર્યું હતું અને દર્શકોને માર્ગદર્શન આપ્યું હતું. એમણે કહ્યું કે, ‘તમે તમારી વિચારસરણી બદલશો તો તમારા સિતારા બદલાઈ જશે. નજર (દ્રષ્ટિકોણ)ને બદલશો તો નજારો બદલાઈ જશે. કસ્તી (નૌકા)ને બદલવાની જરૂર જ નથી, દિશાઓને બદલશો તો કિનારા બદલાઈ જશે. ભગવદ્દગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું જ છે કે જો તમે સહેજ પણ સ્વયંને બદલશો તો તમારું જીવન બદલાઈ જશે.’

અમિત ત્રિવેદીએ કહ્યું કે, આજના વેબિનારમાં કોઈ પણ ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે કોઈ ચોક્કસ સ્ટોક (શેર) વિશે ચર્ચા કરવામાં નહીં આવે. કારણ કે આ એજ્યુકેશન વેબિનાર છે. એટલે અહીં કોઈ પણ સ્ટોક કે મ્યુચ્યુઅલ સ્કીમનું નામ પણ નહીં લઈએ. ઈમરજન્સી ફંડ ક્યાં મૂકી શકાય? એવી રોકાણકારોની એક મુંઝવણ વિશે ત્રિવેદીએ કહ્યું કે, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરી શકાય, આર્બિટ્રજ ફંડમાં પાર્ક કરી શકાય, બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટમાં પણ રાખી શકાય.

કે.એસ. રાવે કહ્યું કે, અમે એક રસપ્રદ બુકલેટ તૈયાર કરી છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ જર્નલની લિન્ક અહીં શેર કરી છે અને તમે ચેટ બોક્સમાં એનો ઉપયોગ કરી શકો છો. આ બુકલેટ પીડીએફ આવૃત્તિમાં છે. એમાં તમે તમારા ઈન્વેસ્ટમેન્ટ્સનો રેકોર્ડ રાખી શકો છો. એમાં તમે એડિટ પણ કરી શકો છો, એનું પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો અને રાખી શકો છો.

વેબિનારની શરૂઆતમાં, ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતાએ નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો. એમણે કહ્યું કે આજના વિષયને અનુરૂપ, સાર્થક ઠેરવે એવા વક્તાઓ આપણી સાથે ઉપસ્થિત છે.

(સંપૂર્ણ વેબિનારનો વિડિયો જુઓ)