સંસદીય સમિતિ ઊંચા વિમાનભાડા મુદ્દે ખાનગી એરલાઈન્સ સાથે ચર્ચા કરશે

નવી દિલ્હીઃ એક સંસદીય સમિતિએ આવતી પાંચ એપ્રિલે ખાનગી એરલાઈન્સના માલિકોને અહીં મળવા માટે બોલાવ્યા છે. વધી ગયેલા વિમાન ભાડાના મુદ્દે સમિતિના સભ્યો એમની સાથે ચર્ચા કરવા માગે છે. આ સમિતિનું અધ્યક્ષપદ રાજ્યસભાના સદસ્ય અને વાઈએસઆરસીપી પાર્ટીના નેતા વિજયસાઈ રેડ્ડી સંભાળશે. એમણે એર ઈન્ડિયા, ગોએર, ઈંડિગો અને સ્પાઈસજેટ સહિત દેશની તમામ ખાનગી એરલાઈન્સના માલિકોને ચર્ચામાં સામેલ થવા જણાવ્યું છે.

આ બેઠક સામાન્ય નાગરિકો સાથે સંકળાયેલો મહત્ત્વનો મુદ્દો છે. ખાનગી એરલાઈન્સ મોટા ભાગની ફ્લાઈટ્સ માટે ખૂબ ઊંચા વિમાન ભાડા વસૂલ કરે છે. તેથી આગામી બેઠકમાં સમિતિના સભ્યો એમની સાથે ચર્ચા કરીને આ ભાડાવધારાની પાછળનાં કારણોની તપાસ કરશે.