બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આઠ કરોડ થઈ

મુંબઈ તા. 21 સપ્ટેમ્બર:દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોના ખાતાંની સંખ્યા આઠ કરોડના અંકને વટાવી ગઈ છે. એક્સચેન્જમાં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)ની દૃષ્ટિએ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડ પર પહોંચી ગઈ છે. આ પૂર્વે 6 જૂન, 2021ના રોજ  યુસીસીની સંખ્યા 7 કરોડની હતી અને 21 સપ્ટેમ્બરે પૂરા થયેલા માત્ર 107 દિવસમાં રોકાણકારોની સંખ્યામાં બે કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંખ્યામાં થયેલો આ સૌથી અધિક ઝડપી વધારો છે.

આ સિદ્ધિ અંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે વિશ્વ ભરમાં સીધું કે મ્યુચ્યુઅલફંડ મારફતે ઈક્વિટીમાં કરાતા રોકાણમાં છેલ્લા દોઢ વર્ષથી વિવિધ કારણોસર વધારો થઈ રહ્યો છે. ભારત પણ એ વૈશ્વિક પ્રવાહનું અનુસરણ કરી રહ્યું છે. એ મહત્ત્વનું છે કે દરેક રોકાણકાર સાવધ રહે અને તે જેમાં રોકાણ કરવા માગે છે એ કંપનીઓ, પ્રક્રિયાઓ અને સાધનોની વિગતો સમજે.

બીએસઈમાં 2 ફેબ્રુઆરી, 2008ના રોજ યુસીસીની સંખ્યા એક કરોડ હતી તેને બે કરોડ પર પહોંચતાં આશરે ત્રણ વર્ષ પાંચ માસ (8 જુલાઈ, 2011) લાગ્યા હતા.

બીજાં આશરે ચાર વર્ષ બાદ રોકાણકારોની સંખ્યા વધુ એક કરોડ વધીને 3 કરોડ (14 જાન્યુઆરી 2016એ) થઈ હતી. ત્યાર બાદ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 10 ઓગસ્ટ, 2018ના 4 કરોડથી વધીને 23 મે, 2020ના રોજ 5 કરોડ અને એ પછી 6 જૂન, 2021ના રોજ 7 કરોડની થઈ હતી.