નાદાર DHFLને હસ્તગત કરવા ઓકટ્રી કેપિટલ અગ્રેસર

નવી દિલ્હીઃ લેણદારોની સમિતિ દ્વારા નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી DHFLને હસ્તગત કરવા માટે નવેસરથી બીડ કરવાની માગ પછી સોમવારે ત્રણ કંપનીઓ- અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઇઝ અને અમેરિકાની ઓકટ્રીએ બીડની રકમમાં વધારો કર્યો હતો, જેમાં અમેરિકાની કંપની ઓકટ્રી દેવાંગ્રસ્ત દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. (DHFL) માટે સૌથી ઊંચી બિડર તરીકે ઊભરી છે.

અહેવાલ મુજબ ઓકટ્રી કેપિટલે DHFLના બધા વેપાર માટે બિડ વધારીને રૂ. 32,700 કરોડ કરી દીધું છે. જ્યારે પિરામલ એન્ટરપ્રાઇઝે રૂ. 32,350 કરોની ઓફર કરી છે. આ સિવાય અદાણી ગ્રુપે DHFLને ખરીદવા માટે રૂ. 29,860 કરોડનો પ્રસ્તાવ આપ્યો છે. અદાણી ગ્રુપે DHFLના હોલસેલ અને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ની એસેટ્સ માટે અલગથી બિડ કર્યું છે. આ ઉપરાંત કંપનીએ સ્લમ રિડેવલપમેન્ટ સંપત્તિઓ માટે રૂ. 50 કરોડની ઓફર કરી છે. પિરામલ પ્રાઇઝિસે પણ રિટેલ એસેટ્સ માટે અલગ પ્રસ્તાવ કર્યો છે.

આ પહેલાં નવેમ્બરમાં પણ DHFLમાં હિસ્સો હસ્તગત કરવા માટે વિવિધ કંપનીઓએ બિડ કરી હતી. અદાણી ગ્રુપ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓકટ્રી અને હોન્ગકોન્ગની એસસી લોવીએ DHFLમાં હિસ્સો ખરીદવા માટે પોતાની બિડમાં 10થી 70 ટકા વધારો કર્યો છે. ત્રીજા રાઉન્ડમાં કંપનીઓએ બિડ પ્રાઇસ વધારી દીધી હતી, એ પછી કંપનીઓએ ફરીથી બિડિંગ પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી. ત્યાર બાદ ચોથા રાઉન્ડમાં એ સંશોધિત બિડિગ સબમિટ કરવામાં આવ્યાં હતાં.

DHFLની લોનબુક રૂ. 67,000 કરોડ છે, જેમાં રૂ. 40,000 કરોડ હોલસેલ લોન અને રૂ. 17,000 કરોડની રિટેલ લોન છે. આ સિવાય રૂ. 10,000 કરોડ લોન ગુનાઇત ખાતાંઓને આપવામાં આવી છે. નવેમ્બર, 2019માં DHFL નાદાર થઈ હતી.