એરટેલ, વોડાફોન-આઈડિયા સામે રિલાયન્સ જિયોની ફરિયાદ

મુંબઈઃ કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમા વિસ્તારોમાં હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે. આ આંદોલનમાં હવે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટકરામણનો નવો વળાંક આવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ દેશની ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી TRAIને પત્ર લખીને તેની બે હરીફ કંપનીઓ – ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે ફરિયાદ કરી છે.

તેનો આરોપ છે કે એરટેલ અને વોડાફોન-આઈડિયા ખેડૂતોને સમર્થનના બહાને પોતાના નેટવર્ક સાથે જોડવા માટે જિયોના ગ્રાહકોને બહેકાવી-ફોસલાવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોએ જિયોના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જિયોએ આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની TRAIને વિનંતી કરી છે. દરમિયાન, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડે આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી છે અને જિયોના આરોપને નકારી કાઢ્યો છે..