પંદરમી મેથી એનએસઈમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ શરૂ થશે

મુંબઈ: અમેરિકાના ટેક્સાસના વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ આધારિત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ શરૂ કરવાની મંજૂરી સેબી પાસેથી પ્રાપ્ત થઈ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે. એક્સચેન્જના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ડબ્લ્યુટીઆઈ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે. 15 મે, 2023થી આ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. ટ્રેડિંગ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 વાગ્યાથી રાત્રે 11.30 કે 11.55 વાગ્યા સુધી (યુએસ ડેલાઈટ સેવિંગ ટાઈમિંગ અનુસાર) થશે, એમ એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પ્રત્યેક  કોન્ટ્રેક્ટ્સનું 100 બેરલના ગુણાંકમાં ટ્રેડિંગ થશે, જેની મહત્તમ ઓર્ડર સાઈઝ 10,000 બેરલની છે. ટીક સાઈઝ રૂ.1 છે અને બેરલદીઠ ભાવ ક્વોટ થશે.