NSEએ કાર્વી સ્ટોક બ્રોકિંગને ડિફોલ્ટર જાહેર કરી

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિ.ને ડિફોલ્ટર જાહેર કરતાં સોમવારે બજાર બંધ થયા પછી એનું સભ્યપદ રદ કરી દીધું હતું. બધા સભ્યોને એ સૂચિત કરવામાં આવે છે કે NSEIL નિયમોના ચેપ્ટર IVના એક અને બે હેઠળ કાર્વી સ્ટોક બ્રોકિંગને એક્સચેન્જના સભ્યપદેથી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે, એમ એનએસઈએ ગઈ કાલે બજાર બંધ થયા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું.

નવેમ્બર, 2019માં કાર્વી બ્રોકરેજ હાઉસે રોકાણકારોની પરવાનગી વગર 95,000 રોકાણકારોની રૂ. 2300 કરોડની સિક્યોરિટીઝ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. કાર્વીએ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને રોકાણકારોના શેર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

સેબીને પ્રથમદર્શી તપાસમાં જણાયું છે કે બ્રોકરેજ કંપનીએ ગ્રાહકોના શેરોનો દુરુપયોગ કર્યો હતો, એનો અન્ય હેતુ અને બિઝનેસમાં ઉપયોગ કર્યો હતો, જેની એને સત્તા અપાઈ નહોતી. સેબીએ કંપનીને નવા ગ્રાહકો ઉમેરવા અને હાલના ગ્રાહકોના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ સીમિત કરી દીધો હતો. નિયામકે એક્સચેન્જને કંપનીની સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. એ પછી એણે NSE, BSE, MCX અને MSCIએ પણ બ્રોકરેજ કંપનીનું લાઇસન્સ રદ કરી દીધું હતું. 17 નવેમ્બરે NSEએ જણાવ્યું હતું કે કાર્વી સ્ટોક બ્રોકિંગ લિ.ના આશરે 2.35 લાખ રોકાણકારોના રૂ. 2300 કરોડના મૂલ્યના ફંડ્સ અને સિક્યોરિટીઝને અત્યાર સુધી સેટલ કરવામાં આવ્યા છે.