મુંબઈ તા. 23 જૂન, 2023: દેશમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને ઔદ્યોગિક સલાહ પૂરી પાડતી અગ્રણી બિઝનેસ સ્કૂલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (એનઆઈટીઆઈઈ) અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) વચ્ચે નાણાં અને અર્થ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં સહકાર માટેનો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.
સમજૂતી કરારમાં નાણાં અને અર્થ ક્ષેત્રે અભ્યાસક્રમોની ડિઝાઈન અને રચના દ્વારા ક્ષમતા નિર્માણ કરવાની, પરિસંવાદો, પરિષદો અને અન્ય કાર્યક્રમો યોજવાની અને સઘન સંશોધન હાથ ધરવાની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી છે. આની પાછળનો હેતુ પરસ્પરની ક્ષમતાના ઉપયોગ દ્વારા ઉદ્યોગ માટે સજ્જ એવી બૌદ્ધિક સંપદા નિર્માણ કરવાનો છે.
આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, દેશમાં બધા વર્ગોને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થઈ રહે એ માટે નાણાકીય બજારનું શિક્ષણ આવશ્યક છે. આજનો યુવાન દેશના વિકાસનું એન્જિન છે અને એટલે તેને અર્થતંત્રની વર્તમાન માગ અનુસારનું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે અને તેઓ તેમની કારકિર્દીની આવશ્યકતાઓને પૂરી કરી નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે એ જરૂરી છે.
એનઆઈટીઆઈઈના ડિરેક્ટર મનોજકુમાર તિવારીએ કહ્યું, અમારા માટે આ યાદગાર ક્ષણ છે, કારણ કે અમારા વિદ્યાર્થીઓ માટે ફાઈનાન્સ ક્ષેત્રે શીખવાની નવી તકો પ્રાપ્ત થશે. એનએસઈને એનઆઈટીઆઈઈની ફેકલ્ટીની નિપુણતાનો લાભ મળશે. વળી આ સહયોગથી સતત વધી રહેલા ફાઈનાન્સ ક્ષેત્રને તાલીમબદ્ધ માનવબળ પ્રાપ્ત થશે.