નવી લેવાલી નિકળતાં શેરબજારના સેન્સેક્સમાં 352 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સતત ઘટાડા બાદ આજે ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ તેજીવાળા ખેલાડીઓની નવેસરથી લેવાલી આવી હતી. સાથે મંદીવાળા ખેલાડીઓએ મોટાપાયે વેચાણો કાપ્યા હતા. જેથી તમામ સેકટરના શેરોના ભાવ ઊંચકાયા હતા. બીએસઈ સેન્સેક્સ 352.03(1.08 ટકા) ઉછળી 32,949.21 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 122.60(1.22 ટકા) ઉછળી 10,166.70 બંધ થયો હતો.ગઈકાલે આરબીઆઈએ ધીરાણ નીતિની સમીક્ષામાં ચાવી રૂપમાં કોઈ જ ફેરફાર કર્યા ન હતા. ઉલ્ટાનું જીડીપી ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું હતું. તેમજ મોંઘવારી વધીને આવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેથી ગઈકાલે શેરબજારને સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પણ એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી, અને તમામ સેકટરના શેરોના ભાવ ઊંચકાયા હતા. ફ્યુચરમાં મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા, તેમજ આજે નવી વેચવાલીનો અભાવ હતો, અને સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલી ચાલુ રહી હતી. આમ ઑલરાઉન્ડ લેવાલીથી માર્કેટમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.

 • આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલે નિવેદન કર્યું હતું કે બેંકોના રીકેપિટલાઈઝેશન અંગેનો પ્લાન સરકાર સામે રજૂ કરાશે
 • ઊર્જિત પટેલના નિવેદન પછી બેંક શેરોમાં જોરદાર લેવાલી આવી હતી.
 • ઓટો, મેટલ, રીઅલ એસ્ટેટ સહિતના સેકટરના શેરોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
 • હોટલ લીલાને બીજા કવાર્ટરમાં રૂપિયા 24.40 કરોડની ખોટ ગઈ છે. 2017ના બીજા કવાર્ટરમાં રૂપિયા 8.9 કરોડની ખોટ હતી.
 • સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આધાર લીંક કરવાની ડેડલાઈન વધારીને 31 માર્ચ કરાશે.
 • લાર્સન ટુબ્રોને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનો રૂપિયા 1600 કરોડનો ઓર્ડર મળ્યો છે.
 • ગુજરાતની હોસ્પિટલ ચેઈન ધરાવતી શિલ્બિ લિમિટેડનો આઈપીઓ 1.39 ગણો ભરાઈ ગયો છે.
 • બુધવારે એફઆઈઆઈએ રૂપિયા 1217 કરોડનું વેચાણ કર્યું હતું, સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 995 કરોડની ખરીદી કરી હતી.
 • તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો.
 • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી ભારે લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 230 પોઈન્ટ પ્લસ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 230 પોઈન્ટ ઊંચકાયો હતો.