EPFOએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી

અમદાવાદઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (ઈપીએફઓ) દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભમાં અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલય પર પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ક્ષેત્રીય કાર્યાલયના જણાવ્યા અનુસાર, ડિજિટલ જીવન પ્રમાણનું રજિસ્ટ્રેશન બેંકની શાખાઓ, કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કાર્યાલયમાં કરી શકાય છે.

પેન્શનરોને તેમની નજીકની બેંક શાખાઓમાંથી ડિજિટલ જીવન પ્રમાણપત્રની નોંધણી કરાવવા મુલાકાત લેવા માટે સલાહ આપવામાં આવે છે. ઈપીએસ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર પેપર ફોર્મની જગ્યાએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એ બેન્કની ફરજ છે. પેન્શનર https://gis.csc.gov.in/locator/ મારફતે નજીકના કોમન સર્વિસ સેન્ટર શોધી શકે છે. ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદની સૂચના પ્રમાણે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) વચ્ચેના એમઓયુ મુજબ પેન્શનર રૂ. 10/- સર્વિસ ચાર્જ ચૂકવીને પણ સીએસસીમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર માટેની નોંધણી કરાવી શકે છે.

પેન્શનરોને અસુવિધા ટાળવા સલાહ તેમજ માહિતી આપવામાં આવે છે કે તેઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અથવા બેંક શાખાઓનો સંપર્ક કરી શકે છે. ઉપરાંત ઉમંગ એપ દ્વારા મોબાઈલમાં પણ ડિજિટલ જીવન પ્રમાણપત્રનું રજીસ્ટ્રેશન કરી શકાય તેવી સુવિધા પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.