મુંબઈ, દિલ્હીમાં વધુ કર્મચારીઓ ઓફિસોમાં પાછાં ફર્યાં

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીનો ચેપ ખૂબ ઘટી જતાં બે વર્ષના સમયગાળા બાદ ભારત ફરી ખુલી ગયું છે ત્યારે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી, આર્થિક પાટનગર મુંબઈ તથા પુણે શહેરોમાં વધુ ને વધુ કર્મચારીઓ પોતપોતાની ઓફિસોમાં કામ પર પાછાં ફરવા લાગ્યાં છે. અને આ પ્રવાહ ઝડપી રહ્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની કોલિયર્સ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણના અહેવાલ અનુસાર, દેશમાંની કંપનીઓ એમનાં કર્મચારીઓને તબક્કાવાર ઓફિસોમાં પાછાં લાવવા માટે પ્રયત્નશીલ રહી છે. બેંગલુરુ અને હૈદરાબાદ શહેરો, જે સર્વિસ-લક્ષી બજારસમાન ગણાય છે અને જ્યાં ટેક્નોલોજીનો મજબૂત પાયો છે, ત્યાં પણ ઓફિસોમાં પાછાં ફરી રહેલાં કર્મચારીઓનો પ્રવાહ સ્થિર રીતે વધી રહ્યો છે. આવા કર્મચારીઓ અત્યાર સુધી પોતપોતાનાં ઘેરથી જ કામ કરતાં રહ્યાં હતાં. પરંતુ હવે કર્મચારીઓ ઓફિસોમાં પાછાં ફરતાં કંપનીઓમાં વ્યક્તિગત ટીમ મીટિંગ્સ, બ્રેડસ્ટોર્મિંગ સત્રોનું આયોજન વધી ગયું છે, જે છેલ્લા બે વર્ષમાં વર્ચ્યુઅલ સ્તરે કરવામાં આવતું હતું.