કબીરવાણી: ભક્તિની શોભાનું વર્ણન

 

ભક્તિ મહલ બહુ ઊંચ હૈ, દૂર હિ તે દરશાચ,

જો કોઈ જનભક્તિ કરે, શોભા બરનિ ન જાય.

 

ભક્તિની સુવાસ અનેક જગ્યાએ પ્રસરે છે. ભક્તિ મહેલ મંદિરના શિખર જેમ ઊંચાઈ પર છે, જેમ મંદિરની ધજાનાં દર્શન દૂરથી થાય છે તેમ ભક્તિનાં સ્પંદનો દૂરથી અનુભવી શકાય છે. મીરાંએ ગાયું છે કે, ઊંચે ઊંચે મહેલ બનાઉ, બીચમાં રખ્ખું બારી. પ્રભુદર્શન માટે સંયમ, મર્યાદા, ત્યાગ પ્રેમનો ઊંચો મહેલ બનાવીએ, પરંતુ તેમાં ગૂંગળામણ થાય.

કબીરજી હિમાલયની ગુફાના નિર્જન એકાંતમાં સાધના કરવા નથી કહેતા. કામ કરતા કરતા સમાજ સાથે હળીમળીને ઈશ્વરમય રહેવાનો તેમનો ઉપદેશ છે.

કબીરજી શબ્દોને સહજ રીતે રમાડી શકે છે. તેમની સાધુકડી ભાષામાં શબ્દોનો વૈભવ છે – ઉપમાઓનો મૂલ્યવાન ખજાનો છે – ચોટદાર ઉક્તિઓ છે. આમ છતાં, કબીરજી શબ્દોની મર્યાદા સ્વીકારે છે. આદર્શ ભક્તનો સત્સંગ એક આગવી અનુભૂતિ છે. કબીરજી તેથી જ કહે છે કે, આની શોભાનું વર્ણન ન થાય.

આપણા અમુક અનુભવો એટલા તીવ્ર હોય છે કે, આપણે અવાચક બની જઈએ છીએ. શબ્દો તો માનવીને માટે વિશેષ શક્તિનો સ્રોત છે, પણ આપણા હોઠ જે નથી કહી શકતા તે આંખ કહી શકે છે. ક્યારેક તો રોમેરોમમાં ચેતનાનું ઝરણું ફૂટી નીકળે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)