પુણેઃ જર્મનીની મોટી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડિઝ બેન્ઝ ટૂંક સમયમાં દેશમાં C-ક્લાસ મોડલને લોન્ચ કરશે. કંપનીએ ઘોષણા કરી હતી કે 5th જનરેશનની C-ક્લાસનું ઉત્પાદન મહારાષ્ટ્રના પુણેના ચાકણ પ્લાન્ટમાં શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ એ માટે પહેલું યુનિટ ઉતારી પણ દીધું છે. કંપની આગામી મહિને તેનું નવું મોડલ લોન્ચ કરશે. કંપનીએ 2001માં C-ક્લાસનું સૌપ્રથમ મોડલ લોન્ચ કર્યું હતું અને હાલ કંપનીના એ મોડલની 37,000 કારો દેશના રસ્તાઓ પર ફરી રહી છે, એમ કંપનીએ નિવેદનમાં કહ્યું હતું.
કંપની લક્ઝરી સેડાન ‘બેબી S’ મોડલ સ્થાનિક માર્કેટમાં 10 મેએ લોન્ચ કરવાની છે. આ મોડલનાં ત્રણ વેરિયેન્ટ C200, C200d અને C300d હશે, એમ કંપનીએ કહ્યું હતું. કંપની માટે વર્ષ 2020 ખરાબ રહ્યા પછી 2021માં વેચાણમાં 43 ટકાનો વધારો નોંધાયો હતો. કંપની આ વર્ષે કારના વેચાણમાં બમણા વધારાની અપેક્ષા કરી રહી છે. કંપનીની યોજના વર્ષ 2022માં 10 નવી પ્રોડક્ટને લોન્ચ કરવાની છે અને કંપની એના ભાગરૂપે સ્થાનિકમાં જ તેના ઇલેક્ટ્રિક સેડાન EQSના ઇલેક્ટ્રિફિકેશન કરવાની ખેવના ધરાવે છે.
કંપની 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં સ્થાનિકમાં ઇલેક્ટ્રિક EQS સેડાન બનાવીને બજારમાં મૂકવાની યોજના ધરાવે છે. જોકે કંપનીએ ઓક્ટોબર, 2020માં ફુલ્લી આયાતી સ્થાનિક બજારમાં તેનાં બધાં ઇલેક્ટ્રિક EQC વેચાણ માટે મૂકી દીધાં છે. અગાઉ કાર ઉત્પાદક કંપનીએ વાર્ષિક ધોરણે આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 4022 કારોના વેચાણ સાથે 26 ટકાનો ગ્રોથ દર્શાવ્યો હતો.