ત્રણ દિવસના ઘટાડા પછી બજારમાં તેજીઃ સેન્સેક્સ 900 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ પ્રોત્સાહક વૈશ્વિક સંકેતોને પગલે ઘરેલુ શેરબજારોમાં ત્રણ દિવસ પછી સાર્વત્રિત તેજી થઈ હતી. નિફ્ટી અને સેન્સેક્સ પણ એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સ 1300 પોઇન્ટથી વધુ ઊછળ્યો હતો. બેન્ક ઓફ જાપાને એક નિવેદનમાં કહ્યું હતું કે બજારમાં અસ્થિરતા પેદા થવાને કારણે બેન્ક વ્યાજદરોમાં ફેરફાર નહીં કરે. જે પછી એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9.18 લાખ કરોડનો વધારો થયો હતો.

સરકારે હાલમાં પ્રોપર્ટી ટેક્સના નિયમો હળવા કરતાં શેરો માટે સાનુકૂળ વાતાવરણ હતું. આ સાથે રિયલ્ટી ઇન્ડેક્સમાં બે ટકાથી વધુની તેજી હતી. આ ઉપરાંત 13 મહત્ત્વના સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા.

રિઝર્વ બેન્કની નાણાં નીતિ જાહેર થવાના રહેલાં નિફ્ટી 24,300 પર પહોંચ્યો હતો. મેટલ, ફાર્મા, મિડિયા, પાવર, ટેલિકોમ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ તેજી થઈ હતી, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બે ટકાની તેજી સાથે બંધ થયા હતા. અદાણી પોર્ટસના શેરોમાં સૌથી વધુ 3.42 ટકાની તેજી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 875 પોઇન્ટ ઊછળીને 79,468.01ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 305 પોઇન્ટ ઊછળીને 24,297.50ની સપાટીએ બંધ રહ્યો હતો. BSE એક્સચેન્જ પર કુલ 4031 શેરોમાં કામકાજ થયાં હતાં. એનાથી 2988 શેરો તેજી સાથે બંધ થયાં હતાં અને 945 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે 98 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 196 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 24 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.