શેરબજારમાં તેજીને બ્રેકઃ સેન્સેક્સ 227 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત ત્રણ દિવસની તેજી પછી આજે મંગળવારે પ્રોફિટ બુકિંગ આવતાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 65 ડૉલરને પાર કરી ગયો છે. તેમજ એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ શેરોની જાતે-જાતમાં નફાવાળા વેચવા દોડી આવ્યા હતા. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 227.80(0.68 ટકા) ગબડી 33,227.99 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 82.10(0.80 ટકા) તૂટી 10,240.15 બંધ રહ્યો હતો.સતત ત્રણ દિવસની એકતરફી તેજીને કારણે માર્કેટ હાઈલી ઓવરબોટ હતું, પરિણામે ટેકનિકલી રીએક્શન આવવાની ધારણા હતી, જે મુજબ આજે પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી. વળી આજે નેગેટિવ કારણો પણ હતા. હેવીવેઈટ શેરો જેવા કે આઈટીસી, એચડીએફસી બેંક, એચયુએલ, ટીસીએસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતિ સુઝુકી, એસબીઆઈ અને એચડીએફસીમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી, જેથી ઈન્ડેક્સ માઈનસમાં ગયા હતા.

  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 185 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 108 કરોડની ખરીદી કરી હતી.
  • આજે તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ તરફી ટ્રેન્ડ રહ્યો હતો.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 173 પોઈન્ટ ગબડ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 123.85 ઘટ્યો હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરોઃ ડૉ. રેડ્ડી લેબ(2.89 ટકા), અદાણી પોર્ટ(2.74 ટકા), ઓએનજીસી(2.46 ટકા), ગેઈલ(2.22 ટકા) અને લ્યુપિન(0.91 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોઃ એચપીસીએલ(4.07 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(3.44 ટકા), ટાટા પાવર(3.21 ટકા), બીપીસીએલ(2.97 ટકા) અને આઈડિયા સેલ્યુલર(2.51 ટકા).