રૂ. 2000ની ચલણી નોટ બંધ થવાની નથી: RTI સામે RBIનો જવાબ

નવી દિલ્હી – રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટ બંધ થશે એવી અફવાઓ ચાલતી હતી, પણ પુણેના એક સામાજિક કાર્યકર્તાએ RTI અરજી કરીને બધી અફવાઓને શાંત પાડી દીધી છે.

પ્રફુલ સારદાએ કરેલી RTI અરજીના જવાબમાં સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રૂ. 2000ની નોટ બંધ થવાની નથી.

ભારતીય રીઝર્વ બેન્કે જવાબમાં કહ્યું છે કે 2000ની નોટ બંધ થવા વિશેની વાત ધડ-માથા વગરની છે.

અગાઉ એવા અખબારી અહેવાલો હતા કે રૂ. 2000ની નોટ બંધ થવાની તૈયારીમાં છે.

અહેવાલોમાં એવું જણાવાયું હતું કે રીઝર્વ બેન્કે રૂ. 2000ની નોટનું પ્રિન્ટિંગ ગયા જુલાઈમાં જ બંધ કરી દીધું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ મૂલ્યની વધુ નોટ છાપવામાં આવનાર નથી.

બીજી એક અફવા એ હતી કે સરકાર ડિજિટલ કે કેશલેસ સોદાઓને ઉત્તેજન આપવા માગતી હોવાથી ચલણી નોટોને તબક્કાવાર વ્યવહારમાંથી હટાવી લેવાની છે.

પરંતુ કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ અફવાઓનું ખંડન કર્યું છે.

પ્રફુલ સારદાએ એમની RTI અરજીમાં એમ પણ પૂછ્યું હતું કે નોટબંધી અમલમાં આવ્યા બાદ કેટલી કિંમતની ચલણી નોટો જમા કરાવવામાં આવી છે.

એના જવાબમાં જણાવાયું છે કે નોટબંધી અમલમાં મૂકાયાના ત્રણ દિવસ બાદ ચલણમાં રહેલી નોટોની કુલ કિંમત રૂ. 17.87 ટ્રિલિયન હતી. આમાં રૂ. 1, 2, 5, 20 અને 100ના મૂલ્યની નોટોનો સમાવેશ થાય છે.

નોટબંધી બાદ, રૂ. 15.28 ટ્રિલિયન કિંમતની નોટ જમા કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]