મુંબઈઃ મદ્રાસ વડી અદાલતે ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર રમેશ અભિષેક વિરુદ્ધ 63 મૂન્સ ટેક્નોલોજીસે નોંધાવેલી ફરિયાદમાં તપાસ ક્યાં સુધી પહોંચી તેનો અહેવાલ સુપરત કરવાનો લોકપાલને આદેશ આપ્યો છે.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ ચેરમેન તરીકે રમેશ અભિષેકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું તેની પેરન્ટ કંપની સાથે મર્જર કરાવવાની ભલામણ કરી હોવાનો આક્ષેપ છે.
63 મૂન્સ ટેક્નોલોજીસે ફેબ્રુઆરીમાં રિટ અરજી કરી હતી. એ સબબ મદ્રાસ વડી અદાલતે 14મી જુલાઈએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નોંધનીય છે કે અગાઉ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ) નામે ઓળખાતી આ કંપનીએ રમેશ અભિષેક વિરુદ્ધ મે 2019માં લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. એ જ બાબતે તેણે હવે મદ્રાસ વડી અદાલતમાં લોકપાલ વિરુદ્ધ રિટ અરજી કરી છે.
63 મૂન્સે લોકપાલ સમક્ષ મે-2019માં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે રમેશ અભિષેક તથા અન્યોએ સરકારને ગેરમાર્ગે દોરીને એનએસઈએલનું 63 મૂન્સ સાથે મર્જર કરવા માટેનો આદેશ બહાર પડાવ્યો હતો. કંપનીનું કહેવું છે કે મર્જરની ભલામણ કરવા માટે એફએમસી પાસે કોઈ વજૂદ ન હતું.
આ સાથે નોંધવું ઘટે કે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષના વડપણ હેઠળની આઠ સભ્યોની લોકપાલ બેન્ચે જુલાઈ 2019માં રમેશ અભિષેક બાબતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) પાસે એક પખવાડિયાની અંદર અહેવાલ માગ્યો હતો. 63 મૂન્સે રમેશ અભિષેક વિરુદ્ધ સીવીસીમાં પણ ફરિયાદ કરેલી છે.
રમેશ અભિષેક એફએમસીના ચેરમેનપદ બાદ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી હતા અને એ જ પદેથી તેઓ ગયા વર્ષે નિવૃત્ત થયા હતા.