રેલવેના ‘ખાનગી પ્લેયર ટ્રેન પ્રોજેક્ટ’ને મળ્યો જોરદાર પ્રતિસાદ

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા ખાનગી પેસેન્જર ટ્રેનોના સંચાલનને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં બૉમ્બાર્ડિયર, સ્પેનની સીએએફ, જીએમઆર, RITES Limited, અને જાહેર ક્ષેત્રની BHELનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક અને ખાનગી ભાગીદારીને આધારે ખાનગી પેસેન્જર ટ્રેનો શરુ કરવામાં આવનાર છે.

રેલવેની આ યોજનાથી ભારતીય રેલવે પરિવહન ક્ષેત્રે નવી ટેકનીકના આગમનની સાથે ભારતીય રેલવેની આવકમાં વૃદ્ધિ થશે અને રોજગારની નવી તકો સર્જાશે. આ પ્લાન હેઠળ વધારાની 151 ખાનગી ટ્રેનો દોડાવાશે.

બેઠકમાં કંપનીઓ તરફથી રજૂ કરાયેલા પ્રશ્નો અંગે રેલવે મંત્રાલય 31 જુલાઈ 2020 સુધીમાં લેખિતમાં જવાબ આપશે. આગામી બેઠક 12 ઓગસ્ટ 2020ના રોજ મળશે. રેલવે મંત્રાલયે 109 જેટલા રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવા 151 આધુનિક ટ્રેનોના સંચાલન માટે યોગ્યતાના આધારે 12 ખાનગી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ પરિયોજનના માધ્યમથી ખાનગી સેક્ટરમાંથી અંદાજે 30,000 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવે તેવી સંભાવના છે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીઓની પસંદગી બે તબક્કાની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં વિનંતી માટેની લાયકાત (આરએફક્યુ) અને વિનંતી માટેની દરખાસ્ત (આરએફપી) સામેલ છે.

આ બેઠકમાં નૂર ભાડા અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં રેલવે મંત્રાલયે કહ્યું કે, નૂર ભાડાને અગાઉથી નિર્ધારિત કરવામાં આવશે અને સંપૂર્ણ છૂટછાટની મુદત માટે અનુક્રમિત કરવામાં આવશે, જેથી નૂર ખર્ચમાં ચોક્કસતાની ખાતરી આવશે. રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રોજેક્ટ અંતર્ગત સંચાલિત ટ્રેનો ખાનગી સંસ્થાઓ દ્વારા લીઝ પર ખરીદી અથવા લઈ શકાશે. રેલવે મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનોના સંચાલનના સંબંધમાં પક્ષોને સમાન જોખમની જવાબદારી પણ આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]