ખાનગીકરણનો-વિરોધઃ ગુરુવારે જીવન વીમા નિગમનાં કર્મચારીઓની હડતાળ

નવી દિલ્હીઃ સોમવાર અને મંગળવાર (15 અને 16 માર્ચે) જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓએ હડતાળ પાડ્યા બાદ હવે 18-માર્ચના ગુરુવારે જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન – એલઆઈસી)ના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર જવાના છે. કેન્દ્ર સરકારે પોતાના હસ્તકની એલઆઈસી કંપનીમાંથી પોતાનો અમુક હિસ્સો વેચી દેવાના લીધેલા નિર્ણય સામેના વિરોધમાં એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર જવાના છે.

એલઆઈસી કંપનીની સ્થાપના 1956માં કરવામાં આવી હતી. હાલ આ કંપનીના આશરે 1,14,000 કર્મચારીઓ છે અને 29 કરોડથી વધારે પોલિસીધારકો છે. 2021નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવશે.