નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વીમા કંપનીનો IPO ચોથી મેએ ખૂલશે અને નવમી મેએ બંધ થશે. વળી, કંપનીએ ઇશ્યુ પ્રાઇસ પર ડિસ્કાઉન્ટની જાહેરાત પણ કરી છે. આ ડિસ્કાઉન્ટ પોલિસીહોલ્ડર્સ, નાના રોકાણકારો અને કર્મચારીઓને મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર LIC બધા પોલિસીહોલ્ડર્સને ઇશ્યુ કિંમત પર રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપશે. કંપનીના ઇશ્યુની પ્રાઇસ બેન્ક રૂ. 902-949 છે.
LICના IPO થકી સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાંનો 3.5 ટકા હિસ્સો વેચશે અને એનાથી સરકારનો ઇરાદો રૂ. 21,000 કરોડ ઊભા કરવાનો છે. આ પહેલાં સરકારનો LICમાં પાંચ ટકા હિસ્સો વેચવાનો વિચાર હતો. જોકે LIC IPOમાં પોલિસીહોલ્ડર્સે બે બાબતોનું ધ્યાન રાખવાનું ખૂબ જરૂરી છે, જેમાં પ્રથમ, પોલિસીહોલ્ડર્સે તેમની પોલિસીને તેમના પર્મનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે લિન્ક કરેલી હોવી આવશ્યક છે. જો પોલિસીહોલ્ડર્સે તેમની પોલિસી પાન નંબર સાથે બે સપ્તાહ પહેલાં લિન્ક કરેલી નહીં હોય તો તેઓ LIC IPOમાં અરજી કરવા માટે હકદાર નહીં બને, એમ કંપનીએ તેના ડ્રાફ્ટમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત જેતે પોલિસીહોલ્ડર્સના ડીમેટ એકાઉન્ટ તેમના પેન કાર્ડ સાથે પણ લિન્ક હોવા જરૂરી છે. જો પોલિસીહોલ્ડર્સે તેમના ડીમેટ એકાઉન્ટ પેન કાર્ડ સાથે અપડેટ નહીં કર્યાં હોય, તેમને ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે.
દેશની સૌથી મોટી વીમા કંપની LICની પાસે 30 કરોડ પોલિસીહોલ્ડર્સ, 14 લાખ એજન્ટ અને 500 અબજની સંપત્તિ છે, જે કેટલાય દેશોના GDPથી પણ વધુ છે. LIC પોલિસીહોલ્ડર્સને શેર ખરીદવા પર રૂ. 60 અને રિટેલ રોકાણકારોને અને કર્મચારીઓને શેરદીઠ રૂ. 40નું ડિસ્કાઉન્ટ મળશે.