જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો બોન્ડ ઈશ્યુ ઈન્ડિયા-આઈએનએક્સ પર લિસ્ટેડ

મુંબઈઃ જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ તેના 40 કરોડ ડોલરના સૌપ્રથમ સસ્ટેઈનબિલિટી સંલગ્ન બોન્ડ્સના ઈશ્યુને ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના ગ્લોબલ સિક્યુરિટી માર્કેટમાં લિસ્ટ કર્યો છે. સાત વર્ષની મુદતનાં આ બોન્ડ્સને મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીસે બીએ2 અને ફિચે ડબલ બી પ્લસ રેટિંગ આપ્યું છે. તેની કિંમત 4.95 ટકાના સ્પર્ધાત્મક ભાવે નક્કી કરવામાં આવી છે.

આ લિસ્ટિંગ પ્રતિની પ્રતિક્રિયામાં ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે અમે જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્વાગત કરીએ છીએ અને તેમણે ભારતના આઈએફએસસીમાં ભરોસો રાખી માત્ર ઈન્ડિયા આઈએનએક્સ પર જ લિસ્ટિંગ કર્યું છે તે આનંદની વાત છે. આ લિસ્ટિંગને પરિણામે જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિથહોલ્ડિંગ ટેક્સમાં ચાર ટકાની બચત થશે. આ દર્શાવે છે કે ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ આઈએફએસસી વૈશ્વિક રોકાણકારો પાસેથી મૂડી પ્રાપ્ત કરવા માટેનું ભરોસાપાત્ર અને સ્પર્ધાત્મક સ્થાન તરીકે ઊભર્યાં છે. ઈન્ડિયા આઈએનએક્સના પ્લેટફોર્મની સ્થાપના 2018માં કરાઈ એ પછી અન્યાર સુધીમાં 58 અબજ યુએસ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સ ઈશ્યુ કરાઈ છે અને 34 અબજ ડોલરથી અધિકનાં બોન્ડ્સ લિસ્ટેડ છે.

જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓ લલિત સંઘવીએ કહ્યું કે પોર્ટ ઉદ્યોગમાં પ્રથમ એસએલબી અને અમારો  બોન્ડ ઈશ્યુ એક મહત્ત્વની સિદ્ધિ છે અને અમને ઈશ્યુનું ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટિંગ થયું એનો આનંદ છે. ભવિષ્યમાં અમે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી આ રીતે મૂડી એકત્ર કરીશું અને ઈન્ડિયા આઈએનએક્સના જોડાણને લાંબા ગાળા માટે મજબૂત બનાવીશું.