જેટ એરવેઝ સિનિયર સ્ટાફને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવશે

મુંબઈ – દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન જેટ એરવેઝે તેના સિનિયર કર્મચારીઓને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવવાની જાહેરાત કરી છે.

જોકે પાઈલટ્સ, એન્જિનીયર્સ તથા સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓને મોકલેલા સંદેશામાં એરલાઈને એ જણાવ્યું નથી કે ગયા મહિનાનો બાકીનો 75 ટકા પગાર ક્યારે ચૂકવવામાં આવશે.

નાણાંભીડ અનુભવતી જેટ એરવેઝના 16,000થી વધુ કર્મચારીઓ છે.

એરલાઈન ગયા ઓગસ્ટથી આ કેટેગરીના કર્મચારીઓને પગાર ચૂકવવામાં વિલંબ કરે છે.

જેટ એરવેઝાન ચીફ પીપલ ઓફિસર રાહુલ તનેજાએ કર્મચારીઓને સંદેશામાં જણાવ્યું છે કે તમને સપ્ટેંબરના પગારનો પહેલો હિસ્સો (25 ટકા) 25 ઓક્ટોબરના અઠવાડિયામાં ચૂકવવામાં આવશે.

ઓગસ્ટ મહિનામાં પગાર આપવામાં વિલંબ થયા બાદ એરલાઈને આ ત્રણ કેટેગરીના કર્મચારીઓને જણાવ્યું હતું કે તમને બે નવેંબર સુધી દર મહિને બે તબક્કામાં – એટલે કે મહિનાની 11 અને 26મી તારીખે પગાર ચૂકવવામાં આવશે. તે અનુસાર, સપ્ટેંબરનો પગાર 11 ઓક્ટોબર અને 26 ઓક્ટોબરે ચૂકવવો જોઈતો હતો.