ડેન્માર્ક ઓપન ફાઈનલમાં સાઈના ફરી તાઈ જૂ યિન્ગ સામે હારી; રજત ચંદ્રકથી સંતોષ

0
918

ડેન્માર્ક – કમનસીબીએ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનો હજી પીછો છોડ્યો નથી. આજે અહીં ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલમાં એનો ચાઈનીઝ તાઈપેઈની તાઈ જુ યિન્ગ સામે પરાજય થયો છે.

તાઈ જૂ વિશ્વમાં નંબર-1 રેન્ક ધરાવતી ખેલાડી છે. એણે આજની ફાઈનલમાં સાઈનાને 21-13, 13-21, 21-6થી હરાવી છે. આ મેચ 52 મિનિટ સુધી ચાલી હતી.

તાઈ જૂ સામે સાઈનાનો આ લગાતાર 11મી મેચ હારી છે. આજના પરાજયને કારણે સાઈનાને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.

સાઈના બીજી ગેમ જીતી જતાં તાઈ જૂ પર પ્રેશર આવી ગયું હતું, પરંતુ ત્રીજી, નિર્ણાયક ગેમમાં એણે ગજબનું કમબેક કર્યું હતું અને ત્રીજી ગેમમાં એ સંપૂર્ણપણે છવાઈ ગઈ હતી.

વિશ્વમાં 10મી રેન્ક ધરાવતી સાઈના આ વર્ષમાં તાઈ જૂ સામે પાંચેય મેચ હારી ચૂકી છે. આમાં તાજેતરની એશિયન ગેમ્સ સેમી ફાઈનલની હારનો પણ સમાવેશ થાય છે.

સાઈના આ સાથે વર્લ્ડ ટૂરમાં અને સુપરસીરિઝ સ્પર્ધાઓમાં 17 ફાઈનલ મેચો રમી છે. જ્યારે તાઈ જૂ 25 ફાઈનલ રમી ચૂકી છે.

ડેન્માર્ક ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલા સિંગલ્સ ફાઈનલમાં તાઈ જુ યિન્ગ સામે સાઈના નેહવાલ પહેલી ગેમ 13-21થી હારી.