નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરવાની સમયમર્યાદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરી દીધી છે. કેન્દ્રીય ડિરેક્ટ ટેક્સીસ બોર્ડ (CBDT)એ કંપનીઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 નવેમ્બર કરી દીધી છે. આવકવેરા કાયદા અનુસાર જે વ્યક્તિઓનાં ખાતાંઓમાં ઓડિટ કરવાની જરૂર નથી અને ITR-1 અથવા ITR-4 ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ભરે છે, તેમના માટે ITR ભરવાની સમયમર્યાદા 31 જુલાઈ છે. કંપનીઓ અથવા ફર્મ જેવા કરદાતાઓ માટે જે ખાતાઓમાં ઓડિટ થવું જરૂરી છે, તેમના માટે સમયમર્યાદા 31 ઓક્ટોબર છે.
CBDTએ સર્ક્યુલરમાં કહ્યું છે કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે ઊભા થયેલા જોખમને જોતાં કરદાતાઓને રાહત આપવા માટે સમયમર્યાદા વધારવામાં આવા છે. આ ઉપરાંત એમ્પ્લોયર (કંપનીઓ) દ્વારા ફોર્મ-16 જારી કરવા માટેની સમયમર્યાદા એક મહિનો વધારીને 15 જુલાઈ, 2021 કરવામાં આવી છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સર્ટિફિકેટ જમા કરવાની નિયત તારીખ એક મહિનો વધારીને ક્રમશઃ 31 ઓક્ટોબર અને 30 નવેમ્બર કરવામાં આવી છે. વિલંબથી અથવા સંશોધિત આવકવેરા રિટર્ન હવે 31 જાન્યુઆરી, 2022 સુધી દાખલ કરી શકાશે. CBDT અનુસાર નાણાસંસ્થાઓ માટે નાણાકીય લેવડદેવડ વિવરણ (SFT) રિપોર્ટ પ્રસ્તુત કરવાની સમયમર્યાદા 31 મે, 2021થી વધારીને 30 જૂન કરવામાં આવી છે.
નાંગિયા એન્ડ કંપનીના ભાગીદાર શૈલેષકુમારે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન મામલે સમયમર્યાદા વધારવાથી કરદાતાઓને નિયમોના પાલનમાં થોડી રાહત મળશે.