નવી દિલ્હીઃ રેલવેએ 18 ડિસેમ્બરે કહ્યું હતું કે સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ કરવા સંબંધે કોઈ નિશ્ચિત તારીખ જણાવવી સંભવ નથી અને ગયા વર્ષની તુલનાએ આ વર્ષમાં અત્યાર સુધી 87 ટકાનો ઘટાડો નોંધાયો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં યાત્રીઓથી રેલવેને પ્રાપ્ત આવક રૂ. 4600 કરોડ થઈ છે અને અંદાજ છે કે માર્ચ, 2021 સુધી એ રકમ વધીને રૂ. 15,000 કરોડ સુધી પહોંચશે. ગયા વર્ષે રેલવેએ યાત્રીઓથી રૂ. 53,000 કરોડની આવક થઈ હતી.
યાદવે જોકે કહ્યું હતું કે યાત્રીઓથી થતી આવકમાં ઘટાડાની ભરપાઈ માલ નૂર ભાડાની આવકથી ભરપાઈ કરવામાં આવશે. માલના નૂર ભાડાની આવક ગયા વર્ષના આંકડાને પાર કરવાની આશા છે. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરોએ ગયા વર્ષની નૂર ભાડાની 97 ટકા આવક પહેલેથી હાંસલ કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે રેલવેની સેવાઓ સ્થગિત થવાથી રેલવેને યાત્રીઓથી થનારી આવકમાં ભારે નુકસાન થયો છે.
સામાન્ય ટ્રેન સેવાઓ ફરીથી શરૂ હોવાના સંબંધમાં ચોક્કસ તારીખ બતાવવી એ સંભવ નથી. જનરલ મેનેજર સ્તરના અધિકારીઓ સાથે રાજ્ય સરકારો ચર્ચા કરી રહી છે. તેમણે કહ્યું હતું કે મંજૂરી મળશે, ત્યારે અમે સર્વિસ સેવા શરૂ કરીશું. તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ હજી સામાન્ય નથી. તેમણે કહ્યું હતું કે હાલમાં દોડતી ટ્રેનોમાં સરેરાશ 30-40 ટકા બેઠકો જ ભરાય છે. આ દર્શાવે છે કે રોગચાળાનો ભય હજી પણ છે.