હૈદરાબાદઃ સીબીઆઇએ હૈદરાબાદસ્થિત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ રૂ. 7926 કરોડની બેંક છેતરપિંડીના આરોપમાં કેસ દાખલ કર્યો છે. દેશનાં બેન્ક કૌભાંડોમાંનું એક કૌભાંડ છે. આ ઘટનાથી જાણકાર લોકોએ જણાવ્યું હતું કે આ કૌભાંડની રકમ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીના બેન્ક કૌભાંડ કરતાં પણ વધુ છે. નીરવ મોદીના ભારતીય બેન્કોના રૂ. 7700 કરોડનાં લેણાં છે.
સીબીઆઇએ કંપની અને તેના આરોપી ડાયરેક્ટરોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓના દસ્તાવેજો મળી આવ્યા હતાં. સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં કંપની, તેના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર ચેરુકુરી શ્રીધર અને એડિશનલ ડાયરેક્ટર રાયપતિ સંબાશિવા રાવ તથા વધારાના ડિરેક્ટર અક્કીનેની સતીશને આરોપી બનાવવામાં આવ્યા છે.
ટ્રાન્સસ્ટ્રોય ઇન્ડિયા લિ. કંપની હાઇવે, પૂલો, સિંચાઈ યોજનાઓ અને મેટ્રો બનાવવા સંબંધિત કામ કરે છે. આ કંપની ઓઇલ અને ગેસનો વેપાર પણ કરે છે. કંપનીને સપ્ટેમ્બરમાં NCLTના આદેશ પર નાદાર જાહેર કરવામાં આવી ચૂકી છે.
આ એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હૈદરબાદસ્થિત આ ખાનગી કંપની અને તેના ડિરેક્ટરોએ એકથી વધારે વખત ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કર્યો હતો. સીબીઆઇ પ્રવક્તા આર કે ગૌડે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેનેરા બેંક અને અન્ય બેંકોના જૂથ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદકર્તાઓએ વધુમાં જણાવ્યું છે કે આરોપીઓએ બેંકો સમક્ષ કંપનીના ખોટા નાણાકીય હિસાબો રજૂ કરી લોન સહિતની સુવિધાઓનો લાભ મેળવ્યો હતો. ગૌડે વધુમાં જણાવ્યું હતું કે આરોપી કંપની અને ડાયરેક્ટરોના હૈદરાબાદ અને ગુન્ટુર સ્થિત સ્થળોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.