રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરાવનારાઓની ટેક્સ કુંડળી ખોલશે IT વિભાગ

નવી દિલ્હી- નોટબંધીની જાહેરાત બાદ હજારો લોકોએ પોતાના છુપાવેલા નાણા બેંકોમાં જમા કરાવવાના શરૂ કરી દીધા હતા. સરકારના કડક વલણ બાદ ઘણાબધા લોકોએ રિવાઈઝ્ડ ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા અને જમા કરવામાં આવેલા એક્સ્ટ્રા પૈસા માટે 30 ટકા ટેક્સ જમા કરાવી દીધો. આવું કરનારા લોકોને પહેલા તો એવું લાગ્યું હશે કે આમ કરવાથી તેઓ નિર્દોષ સાબિત થઈ જશે અને ટેક્સ અધિકારીઓની નજરમાં પણ નહી આવી શકે. પરંતુ ટેક્સ અધિકારીઓ દ્વારા આવા લોકોની નાણાકિય લેવડ દેવડની તપાસ શરૂ કરી દીધી છે.

સરકારે શુક્રવારના રોજ ટેક્સ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે રિવાઈઝ્ડ ટેક્સ રિટર્નને સ્વીકારવામાં આવે, જ્યાં કરદાતાથી મૂળ રૂપે કોઈ ભૂલ થઈ છે. જો તપાસમાં આ વાત પર જરા પણ શંકા જશે કે કરદાતાએ પોતાના છુપાવેલા કાળા નાણાને વ્હાઈટ કરવાની કોશીષ કરી છે, તે પ્રકારના લોકો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે.