આવી રહી છે ટાટા નેનો ઈલેકટ્રોનિક, ખાસ નામ સાથે થશે લોન્ચ

નવી દિલ્હીઃ ટાટા કંપની પોતાની નવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા નેનો ઈલેકટ્રોનિક કાર લોન્ચ કરશે. આ કારને વડાપ્રધાન મોદી આ જ મહિને 28 નવેમ્બરના રોજ લોન્ચ કરી શકે છે. આ કારનું નામ પણ ખાસ હશે. આ ગાડીને જયમ નિયો નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. જયમ ઓટોમોટિવ્સ ઘણા લાંબા સમયથી ટાટા મોટર્સ સાથે મળીને ટાટાની ગાડીઓના સ્પોર્ટ્સ વર્ઝન બહાર પાડશે. પ્લાન અનુસાર અત્યારે નિયોને જયમ બ્રાંડ અંતર્ગત સેલ કરવામાં આવશે. આવનારા સમયમાં ટાટા મોટર્સ પોતાનું વેરિઅંટ લાવશે. આશા છે કે હૈદરાબાદમાં વડાપ્રધાન આ કાર લોન્ચ કરશે.

નિયોમાં 48 વોલ્ટની એક ઈલેક્ટ્રોનિક સીસ્ટમ આપવામાં આવી છે. આ કારની ઈલેકટ્રિક સીસ્ટમથી 23 હોર્સ પાવરની તાકાત જનરેટ થાય છે. આ કારનું વજન આશરે 800 કિલો જેટલું છે જ્યારે 623સીસીની પેટ્રોલવાળી નેનો કારનું વજન 636 કિલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેનોને અત્યારે માત્ર સિટી ટેક્સીમાં ઉપયોગમાં લેવા માટે જ તૈયાર કરવામાં આવે છે. નવી લોન્ચ થનારી આ ઈલેક્ટ્રિક કારને એકવાર ચાર્જ કરવાથી 200 કિલોમીટર સુધી ચાલશે તેવું કંપનીના સૂત્રોએ જણાવ્યું છે. તો આ સિવાય આ કારમાં 4 વ્યક્તિઓ બેસી શકે તેટલી જગ્યા છે અને જો તમારે આ કાર એસીમાં ચલાવવી હોય તો એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 140 કિલોમીટર સુધી ચાલશે.