શેરબજારમાં સતત 8માં દિવસે તેજીઃ સેન્સેક્સ 45 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સતત આઠમાં દિવસે બે તરફી વધઘટે તેજીની આગેકૂચ રહી હતી. શરૂની નરમાઈ પછી બ્લુચિપ શેરોમાં નવી લેવાલી નિકળતાં સેન્સેક્સ અને નિફટી સતત આઠમાં દિવસે પ્લસ બંધ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી નિકળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 45.20(0.13 ટકા) વધી 33,724.44 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 9.85(0.09 ટકા) વધી 10,399.55 બંધ થયો હતો.મૂડીઝે ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું હતું, પણ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે રેટિંગ સ્ટેબલ યથાવત રાખ્યું છે. જેથી શેરબજાર ખુલતામાં નિરાશ થયું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા, જેની પાછળ સવારે શેરોના ભાવ નીચા ખુલ્યા હતા. શરૂમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. અને શેરોના ભાવ ઘટ્યા મથાળેથી ઊંચકાયા હતા. સેન્સેક્સ પણ ઘટ્યા મથાળેથી 195 પોઈન્ટ બાઉન્સ થયો હતો.

  • આ સપ્તાહના ગુરુવારે નવેમ્બર ફયુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો અંતિમ દિવસ છે.
  • એફ એન્ડ ઓની એક્સપાયરી અગાઉ ઉભા સોદા સરખા કરવારૂપી ટ્રેડિંગ થયા હતા.
  • આ સપ્તાહે જીડીપીના આંકડા જાહેર થનાર છે, જેથી શેરબજારમાં સાવચેતી રખાતી હતી.
  • ઓપેક દેશોની બેઠકમાં ઓઈલ પ્રોડક્શનમાં કાપ મુકવાની ડેડલાઈન વધારવા પર વિચાર થઈ શકે છે, જેની માર્કેટના સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી હતી.
  • ગત સપ્તાહના શુક્રવારે એફઆઈઆઈએ રૂ.416 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિમ નાણા સંસ્થાઓએ રૂ.427 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • આજે તેજી બજારમાં એફએમસીજી, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.
  • આજે બેંક, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્ઝ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી બાઉન્સ બેક થયો હતો.
  • રોકડાના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 87.89 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 139.37 ઊંચકાયો હતો.